ગુજરાતમાં ૫ વર્ષમાં દલિત – આદિવાસીઓપર અત્યાચારની ૧૯,૦૦૦થી વધુ ઘટનાઓ

(એજન્સી) તા.૨૮
ગુજરાતમાં સલામતીના ગાણા ગવાઈ રહ્યા છે, ત્યારે આજે પણ દલિત અને આદિવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા પાંચેક વર્ષમાં કુલ મળીને ૧૯ હજારથી વઘુ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરથી જ એ વાત સાબિત થાય છે કે, દલિતો અને આદિવાસીઓને હક્કો અને સુરક્ષા આપવામાં રાજ્ય સરકાર સદંતર નાકામ રહી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દલિતો પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ બની છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં દરરોજ સરેરાશ ૩થી વધુ દલિતો અત્યાચારનો ભોગ બની રહ્યા છે. જ્યારે આદિવાસીઓ પર અત્યાચારની કુલ ૩,૫૫૩ ઘટનાઓ નોંધાઈ છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે, ભાજપ સરકાર દલિત અને આદિવાસીઓને બંધારણીય હક્કો અને સુરક્ષા આપવામાં સદંતર નાકામ રહી છે. એસસી-એસટી પર વધી રહેલી અત્યાચારની ઘટનાઓ રાજ્ય માટે કલંક સમાન છે ત્યારે આ આંકડાઓ માત્ર નોંધાયેલા ગુનાઓના છે, જ્યારે ડર અને દબાણને કારણે હજારો કિસ્સાઓ તો પોલીસ ચોપડે નોંધાતાં જ નથી. ભાજપ શાસનમાં ગુજરાતના આદિવાસી સમાજ પર પણ અત્યાચારોનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં આદિવાસીઓ પર અત્યાચારના કુલ ૧૫૯૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે અત્યાચારના કુલ ૩,૫૫૩ કેસના ટ્રાયલ બાકી છે. ટૂંકમાં દર ૪૮ કલાકે એક આદિવાસી ભાઈ-બહેન પર અત્યાચાર કે હુમલો થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુનેગારોને સજા અપાવવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા ૩ વર્ષમાં એસટી અત્યાચારના કેસોમાં સજાનો દર ૧% કરતાં પણ ઓછો છે.કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ શું કહ્યું ? : ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ જિલ્લામાં દલિતોપર વઘુ અત્યાચારના કેસો નોંધાયા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કેર જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અધિકારો માટે ૧૫ હજારથી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયાં પણ ગુજરાતની ‘સંવેદનશીલ’ ગણાતી સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં માત્ર છ કાર્યક્રમનું આયોજન કર્યુ અને વર્ષ ૨૦૨૦માં તો એક પણ કાર્યક્રમ કરવાની તસ્દી લીધી નથી. આ સ્પષ્ટપણે ભાજપની દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts