ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો આંતરિક સર્વે : ૧ર૪ બેઠકો મેળવવાનો દાવો !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
એકતરફ દેશની કેટલીક ટીવી ચેનલ તથા અન્ય સંસ્થાઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરી તેમાં ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં ૧ર૪ બેઠકો મેળવી ર/૩ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનવાનો દાવો આજે કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે એક્ઝિટ પોલના તારણોને ફગાવી દેતાં કહ્યું હતું કે, આ તારણો સુસંગત નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગતરોજ ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગયા બાદ એક પછી એક એક્ઝિટ પોલ જાહેર થવા માંડયા હતા અને તેમાં મોટાભાગમાં ભાજપની જીત દર્શાવાઈ હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોતાનો આંતરિક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ કોંગ્રેસને ૧૮ર બેઠકોમાંથી ૧ર૪ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપી હતી. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી વિવિધ એજન્સી દ્વારા પોતાના એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે રાજ્યભરમાં ચર્ચાનો દોર શરૂ થઈ જવા પામ્યો હતો. જ્યારે એક્ઝિટપોલ સિવાય અન્ય કેટલીક સર્વે એજન્સીઓ તથા કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ વગેરે કોંગ્રેસની સરકાર બનતી હોવાના દાવા રજૂ કરતાં તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદારો, દલિતો, ઠાકોર સમાજ સહિતના સમાજોમાં ભાજપ સરકાર સામે જનતામાં ભારે રોષ હતો. આમ છતાં આ તમામ એજન્સીઓ દ્વારા પોતાના એક્ઝિટ પોલ્સમાં એક તરફી રીતે ભાજપને જ સત્તાની ખુરશી ઉપર બેસાડતા જોવા મળ્યા હતા. જેના કારણે આ એજન્સીઓના પોલ્સ ઉપર લોકોમાં શંકાની સોય ઉભી થવા પામી છે. દરમ્યાન આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા તમામ ઉમેદવારો અને રાજ્યના હોદ્દેદારોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પક્ષનો એક આંતરિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો.ે આ સર્વે મુજબ ગુજરાતની ૧૮ર બેઠકોમાંથી ૧ર૪ બેઠકો મેળવીને કોંગ્રેસ સરકાર બનાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આંતરિક સર્વે મુજબ તબક્કાની ૮૯ બેઠકોમાં કોંગ્રેસને ૬૧ બેઠકો મળવાનો અને બીજા તબક્કાની ૯૩ બેઠકોમાંથી કોંગ્રેસને ૬૩ બેઠકો મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં કોંગ્રેસને પ્રથમ તબક્કાની ૬૧ બેઠક અને બીજા તબક્કાની ૬૩ બેઠક એમ કુલ મળીને ૧ર૪ બેઠકો સાથે આંતરિક સર્વેના આધારે ગુજરાત વિધાનસભામાં સરકાર બનાવતી હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. ભરતસિંહ સોલંકીએ સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષા તરીકેના સફળ કાર્યકાળ અંગે અભિનંદન પણ પાઠવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks