પ૦ ટકા સીટિંગ-કેપેસિટી-સેનિટાઈઝિંગ સહિતના કડક નિયમોનું પાલન કરવું પડશે
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
કોરોના મહામારીને લઈ છેલ્લા છ-એક માસથી રાજ્યભરના બંધ સિનેમાગૃહો-થિયેટરો વગેરે હવે ખૂલવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ ગાઈલડલાઈન બાદ હવે આવતીકાલથી રાજ્યભરના સિનેમાગૃહો-થિયેટરો-મલ્ટીપ્લેક્સ વગેરે કોરોનાની માર્ગદર્શિકાના ચુસ્ત અમલ સાથે ખુલ્લા મૂકાશે. પ૦ ટકા સીટિંગ-કેપેસિટી સહિતની ચોક્કસ શરતોનું પાલન કરવા રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યમાં આવેલા સિનેમાગૃહો, થિયેટરો, મલ્ટિપ્લેક્સીસ, ડ્રાઈવ-ઈન સિનેમા વગેરેને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ ૧૫મી ઓક્ટોબરથી ૫૦ ટકા સીટિંગ- કેપેસિટીના વપરાશથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે મંગળવારે પરિપત્ર જાહેર કર્યો છે. આ દિશામાં હવે આવતીકાલથી રાજ્યભરમાં સિનેમાઘરો ખૂલવા જઈ રહ્યા છે. પરંતુ દરેક થિયેટરોમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ૫૦% કેપેસિટી સાથે આવતીકાલથી રાજ્યમાં સિનેમાઘરો શરૂ થશે. ઓનલાઈન ટિકિટ બૂકિંગ કરી શકાશે. દરેક શૉ બાદ સેનિટાઈઝેશન કરવું પડશે.
દેશભરમાં ૧૫ ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ શરૂ થવા જઈ રહ્યા છે તેના માટે સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સો શરૂ કરવા માટે થિયેટરોના માલિકો સજ્જ થઈ ગયા છે. કોરોના મહામારી ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૫૦ ટકા સીટ પર જ લોકોને બેસાડી શકાશે. પેપરલેસ વર્ચ્યુઅલ ટિકિટો આપવી પડશે. દરેક શૉ બાદ ઓડીટોરિયમનું સેનેટાઈઝિંગ કરવું પડશે. સિનેમાઘર બંધ હોવાથી ઈન્ડસ્ટ્રીને દર મહિને ૧૫૦૦ કરોડનું નુકસાન થતું હતું.ખ આ અંગેની નીચે મુજબની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.
• થિયેટરો બહાર લાઈનમાં કોમન એરિયામાં તથા વેઈટિંગ એરિયામાં ૬ ફૂટનું અંતર રાખવું પડશે.
• મોઢા ઉપર માસ્ક ફરજિયાત
• એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતે તથા કોમન એેરિયામાં ટચ-ફ્રી- હેન્ડ સેનિટાઈઝર ગોઠવવા પડશે.
• થૂંકવા ઉપર સખત પ્રતિબંધ
• એન્ટ્રી પોઈન્ટ ઉપર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત અને અસિમ્ટોમેટિકને જ પ્રવેશ.
• ઈન્ટરવલમાં આવવા-જવા માટે લાઈન બનાવવી.
• થિયેટરો/મલ્ટિપ્લેક્સીસ/સિનેમાગૃહોમાં બેઠક ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકો બેસાડવા.
• ઓડિટોરિયમમાં પૂરતું સ્પેશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ રહે તે રીતે પ્રેક્ષકો બેસાડવા.
• એન્ટ્રી અને એક્ઝિટ વખતે ભીડભાડ ના થાય તે રીતે પ્રેક્ષકોની લાઈન બનાવડાવવી.
• ઓડિટોરિયમમાં જે સીટ ઉપર પ્રેક્ષક બેસાડવાનો નથી તે સીટ ઉપર યોગ્ય માર્કિંગ દર્શાવવું.
• પાર્કિંગ લોટમાં ક્રાઉડ મેનેજમેન્ટ કરવું.
• લિફ્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સ જળવાય તે માટે માણસોની સંખ્યા નિયંત્રિત કરવી.
• એક શૉ પૂરો થાય અને બીજો શૉ શરૂ થાય તે વચ્ચે યોગ્ય સમય રાખવો જેથી ભીડ ના થાય.
• મલ્ટિપ્લેક્સીસમાં થિયેટરોના શૉ શરૂ થવાનો, પૂરો થવાનો અને ઈન્ટરવલનો સમય એક સાથે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
• ટિકિટનું બૂકિંગ ઓનલાઈન થાય તથા નાસ્તા-પાણીના પેમેન્ટ પણ કેશલેસ મોડથી થાય તે હિતાવહ છે.
• કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટિકિટના બૂકિંગ વખતે પ્રેક્ષકનો ફોન નંબર લેવો.
• બોક્સ ઓફિસ ઉપર ટિકિટનું વેચાણ આખો દિવસ રાખવું તથા એડવાન્સ બૂકિંગ પણ રાખવું જેથી ભીડભાડ ટાળી શકાય.
• બોક્સ ઓફિસ સામે યોગ્ય લાઈન જળવાય તે માટે માર્કિંગ કરવું.
• થિયેટરોમાં, હેન્ડલ રેલિંગ ઉપર વારેઘડીએ સેનિટાઈઝ કરવું.
• બોક્સ ઓફિસ તથા ખાણી-પીણી જગ્યાઓ પણ વારેઘડીએ ચોખ્ખી કરવી.
• સેનિટાઈઝ કરનારા સ્ટાફને માસ્ક, હાથના મોજા, બૂટ, પીપીઈ કિટ વગેરે આપવા.
• જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળે તો પ્રિમાઈસીસ જંતુરહિત કરવી.
• થિયેટરોમાં એસીનું કૂલિંગ ૨૪થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવું.
• પિક્ચર-નાટક ચાલતું હોય તે દરમિયાન ખાણી-પીણીની ડિલિવરી પ્રેક્ષકની સીટ ઉપર ના કરવી.