અમદાવાદ, તા.૧૦
ચકચારી ગુલબર્ગ હત્યાકાંડમાં ૧૬ વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુલબર્ગ હત્યાકાંડનો ફરાર આરોપી આશિષ પાંડે લગભગ ૧૬ વર્ષથી વોન્ટેડ હતો. જે બાદ આજે બુધવારે ક્રાઇમ બ્રાંચે સઘન બાતમીને આધારે આરોપીને પકડી પાડ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે કુલ ૬૬માંથી ૩૬ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યા હતા જ્યારે ૨૪ આરોપીને કસૂરવાર ઠેરવાયા હતા. આમાંથી ૧૧ને હત્યા સહિતના જઘન્ય ગુના માટે દોષી માન્યા હતા. જ્યારે બાકીના ૧૩ને પ્રમાણમાં હળવા ગુનાઓમાં તકસીરવાર ઠેરવ્યા હતા. જો કે ૧૬ વર્ષથી આ કેસમાં વોન્ટેડ પાંચ આરોપીમાંથી એક આરોપી ઝડપાઈ ગયો છે જ્યારે હજુ પણ ચાર આરોપી બાકી હોવાનું જાણવા મળ્યું છે.
Facebook
0
Twitter
0