ગાંધીનગર, તા.૧૪
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મારામારીની કલંકિત ઘટના બાદ રાજકીય નિવેદનો શરૂ થઈ ગયા છે. સરકાર તરફથી ખુલાસો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિલ પટેલે જણાવ્યું છે કે, ભાજપના કોઈ ધારાસભ્ય ગૃહમાં અપશબ્દો બોલ્યા જ નથી જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીસીટીવી ફૂટેજને ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. સરકાર તરફથી ખુલાસો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના અમરીશ ડેર અચાનક ઊભા થઈને ઉશ્કેરાઈ ગયા હતા. આ બાબત તેની બોડી લેંગ્વેજ કહી રહી હતી. બીજી બાજુ પ્રતાપ દુધાત કોઈ ચર્ચામાં ન હતા અને અચાનક દોડી આવ્યા અને મારામારી કરી હતી. બીજી તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના સભ્યો ગાળો બોલ્યા હોવાથી વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. ઘણા દિવસોથી કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. બનાવ બન્યો ત્યારથી ગૃહ મોકૂફ રહ્યું ત્યાં સુધીની વીડિયો સીડી મીડિયા દ્વારા જનતા સામે મૂકે તો પ્રજા સમક્ષ હકીકત બહાર આવી જશે. લોકસભાની માફક વિધાનસભાની કાર્યવાહીનું પણ લાઈવ પ્રસારણ થાય તેવી માગણી અમો ઘણા સમયથી કરી રહ્યા છીએ. જેથી કરીને આવી ઘટના બાબતે તથ્ય લોકો સમક્ષ આવી શકે. ભાજપના ધારાસભ્યો ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.