(એજન્સી) કોપ્પલ, તા.૧ર
કર્ણાટક દલિત સંઘર્ષ સમિતિ (ભીમ માર્ગ) એ કોપ્પલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, અનધિકૃત રેતીના સંગ્રહસ્થાનો (સ્ટોકયાડ્ર્સ) અને વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો સત્તાવાળાઓ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં નહીં લે, તો સમગ્ર જિલ્લામાં આંદોલન કરવામાં આવશે.સંગઠનના રાજ્ય પ્રમુખ એમ. નારાયણના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટર (DC), પોલીસ અધિક્ષક (SP) અને ખાણ અને ભૂસ્તર વિભાગના નાયબ નિયામકને આવેદનપત્ર સુપરત કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રેતી કાઢવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે, જેમાં નદીના પટ અને ગ્રામીણ વિસ્તારોમાં અનધિકૃત સંગ્રહસ્થાનો અને વેચાણ કેન્દ્રો કાર્યરત છે. આ ગેરકાયદેસર વેપારને કારણે સરકારને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે અને કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ભારે વાહનોને કારણે ગ્રામીણ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે અને જાહેર સુરક્ષા માટે પણ ખતરો ઊભો થયો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ખાણ તથા ભૂસ્તર વિભાગને તમામ અનધિકૃત રેતી સંગ્રહ અને વેચાણ કેન્દ્રો પર સંયુક્ત દરોડા પાડવા અનુરોધ કર્યો છે.