ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ આકસ્મિક કે ભ્રષ્ટાચાર છૂપાવવાનું ષડ્યંત્ર ?

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
ગોંડલ ખાતે મગફળીના ગોડાઉનમાં ગઈકાલે લાગેલી ભીષણ આગ એ અકસ્માતે લાગેલી નથી પરંતુ પાછળ મોટું ષડયંત્ર છુપાયેલું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગોડાઉનમાં લાગેલી આગના લપકારા હજી પૂરેપૂરા શાંત થયા નથી ત્યારે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ ગોડાઉનના વિશાળ મેદાનમાં માટીમાં દાટી દેવાયેલા ઓઈલના પીપ જોવા મળ્યા હતા એટલે કે આગ વધુ ભડકે અને આગની લપકારાઓમાં ભ્રષ્ટાચાર છુપાઈ જાય તેવો આશય હોઈ શકેે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. ગ્રામ્ય એસપીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં જે કોઈનું પણ નામ આવશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. ગોંડલના રામરાજ નામના ગોડાઉનમાં જુદી જુદી મંડળીઓની ટેકાના ભાવે સરકારે ખરીદ કરેલી અંદાજે ૩૬ કરોડ રૂપિયાની બે લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી. જેમાં ગતરોજ રહસ્યમય રીતે આગ લાગતા આ તમામ જથ્થો ખાખ થઈ ગયો હતો. કોટકા સાંગણી માર્કેટયાર્ડના ચેરમેન અને ખેડૂત અગ્રણીએ આ આગને રૂપાણી સરકારનું કૌભાંડ ગણાવ્યું હતું તેમણે આક્ષેપ કર્યો હતો કે મગફળી ખરીદી કૌભાંડ બહાર ન આવે તે હેતુથી આગ લગાવવામાં આવી હતી. સામાન્ય રીતે એવો નિયમ છે કે મગફળીનો સંગ્રહ કરવાનો હોય ત્યારે વીજજોડાણ ન હોય તેવા ગોડાઉનની પસંદગી કરવામાં આવતી હોય છે તો પછી આગ કઈ રીતે લાગે ? એટલે કે આ આયોજનપૂર્વકનું કાવતરૂં છે અને ભાજપના મળતિયાઓની કરતૂતના કારણે આગ લગાડવામાં આવી હોઈ શકે. ભાજપના મળતિયાઓએ વેપારીના સ્વાંગમાં મગફળીની ખરીદીમાં જે લૂંટ ચલાવી હતી. તેના પર પડદો પાડવા આ આગ લગાડાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. જે ગોડાઉનમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. બીજું ગોડાઉનના પાણીની વિશાળ ટાંકી છે તે પણ આ આગની ઘટના વખતે શોભાના ગાંઠિયા જેવી પૂરવાર થઈ હતી. કારણકે તેમાં પાણીનું એક ટીપું ન હતું. આથી ૧૧ ફાયર ફાઈટરોએ પ૦૦થી વધુ ફેરી કરી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. આગ વિકરાળ બનવાનું કારણ માટીમાં દાટેલા ઓઈલના પીપ જવાબદાર હોવાનું મનાય છે. આમ મગફળીના જથ્થામાં આગ લગાડાઈ હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે તેને જમીનમાં દાટેલા ઓઈલના પીપ, બંધ સીસીટીવી કેમેરા, ખાલી પાણીની ટાંકી આ બાબતો જ આક્ષેપને બળ પૂરૂં પાડી રહ્યા છે ત્યારે સરકાર ખરેખર આ આગની ઘટના અંગે ગંભીર હોય તો સમગ્ર ઘટનાની તટરસ્થ તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks