શિક્ષણ વિભાગ દ્વારા તપાસમાં નોલેજ બીમ એકેડેમી સરકારી માન્યતા વગર ચાલતી હોવાનું બહાર આવતાં કરાઈ કાર્યવાહી
(એજનસી) ગોંડા, તા.૧૮
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં આવેલી એક ખાનગી શાળાને શિક્ષણ વિભાગની તપાસ બાદ સોમવારે સીલ કરી દેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ શાળા સરકારી માન્યતા વગર ચલાવવામાં આવી રહી હતી. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ચાર હિન્દુ છોકરીઓ બુરખો પહેરીને ડાન્સ કરતી હોવાનો વીડિયો વાયરલ થતાં સર્જાયેલા વિવાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી બભનજોત વિકાસ બ્લોકના ઓસાની બુઝુર્ગ ગામમાં આવેલી નોલેજ બીમ એકેડેમી સામે કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર શાળા પાસે ધો.૮ સુધીનું શિક્ષણ આપવા માટે જરૂરી માન્યતા નહોતી. સોમવારે બપોરે ગોંડા જિલ્લા બેસિક શિક્ષણ અધિકારી અમિતકુમાર સિંહની સૂચના પર બભનજોત બ્લોક શિક્ષણ અધિકારી રિયાઝ અહમદે શાળાની મુલાકાત લઈ તપાસ કરી હતી, જેમાં સંસ્થા જરૂરી મંજૂરી વગર ચાલતી હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન અધિકારીઓને એ પણ જાણવા મળ્યું હતું કે, આશરે એક અઠવાડિયા પહેલા બ્લોક શિક્ષણ અધિકારી દ્વારા કામગીરી બંધ કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં શાળા ચાલુ રાખવામાં આવી હતી. નિરીક્ષણ બાદ મેનેજરની ઓફિસ, પ્રિન્સિપાલની ઓફિસ અને શાળાના મુખ્ય ગેટ પર તાળા લગાવી દેવામાં આવ્યા હતા અને સમગ્ર શાળાને સીલ કરી તેની કામગીરી થંભાવી દેવાઈ હતી.બ્લોક શિક્ષણ અધિકારી રિયાઝ અહમદે આ કાર્યવાહી અંગેનો રિપોર્ટ જિલ્લા બેસિક શિક્ષણ અધિકારી અમિતકુમાર સિંહને સોંપ્યો છે અને હવે શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના શાળામાં યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા બાદ શરૂ થઈ હતી, જેમાં ચાર હિન્દુ છોકરીઓ બુરખો પહેરીને પાંચ ફિલ્મી અને ભોજપુરી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પહેરવેશની પસંદગી અને પ્રદર્શનના પ્રકાર અંગે સવાલો ઊભા થયા હતા, જેના પર વિવાદ વધતાં શાળા મેનેજમેન્ટે માફી માંગી હતી. જો કે, શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની માન્યતા પર સવાલો ઊભા થયા હતા. જિલ્લા બેસિક શિક્ષણ અધિકારી અમિતકુમાર સિંહે જણાવ્યું કે, ઘટના અંગેના અહેવાલો બહાર આવ્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને શાળા માન્યતા વગર ચાલતી હોવાનું સામે આવતાં આ પગલું ભરવામાં આવ્યું છે.