(એજન્સી) તા.૨૩
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં એક ૧૬ વર્ષની સગીર દલિત છોકરી જે તેની માતા સાથે શૌચ કરવા નીકળી હતી, તેના પર અન્ય સમુદાયના બે યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે ખોંડારે પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું કે પીડિતાના પિતાની ફરિયાદ પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડન્ટ (પૂર્વ) મનોજ કુમાર રાવતે જણાવ્યું કે શુક્રવારે મોડી સાંજે દલિત મહિલા અને તેની સગીર પુત્રી શૌચ માટે ઘરની બહાર નીકળી હતી. ગામથી થોડે દૂર તે જ ગામના અન્ય સમાજના બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા. આરોપીઓએ તેમની બાઈક રોકી અને સગીર છોકરીને ખેતરમાં ખેંચી ગયા, જ્યાં તેઓએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. માતાની બૂમો સાંભળીને ગામના અન્ય લોકો ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ ત્યારબાદ આરોપી બાઈક છોડીને ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને એક આરોપી શાદાબ (૨૮)ની ધરપકડ કરી. અધિકારીએ જણાવ્યું કે સગીરને મેડિકલ તપાસ અને સારવાર માટે જિલ્લા મુખ્યાલયમાં લાવવામાં આવી છે. બીજા આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે.