આ ઘટનાએ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવાના દાયરા અંગે ચર્ચા જગાવી છે. લોકોનું કહેવું છે કે, ઓનલાઇન ‘વ્યૂઝ’ (views) મેળવવા માટે કોઈએ પણ અનિચ્છનીય ધ્યાન કે અગવડતાનો સામનો કરવો ન પડે
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં એક મુસ્લિમ યુવતી, જેણે બુરખો પહેરેલો હતો અને તે હિંચકા પર આનંદ માણી રહી હતી, તેનો વીડિયો ઉતારવાનો આરોપ એક વ્યક્તિ પર લાગ્યો છે. ઓનલાઇન આ વ્યક્તિની ઓળખ ‘બાલકિશન ક્રિએટર’ (Balkishan Creator) તરીકે થઈ છે, જેના પગલે ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં યુવતી હિંચકા પર બેઠેલી જોવા મળે છે, જ્યારે કેમેરા દ્વારા તેનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે – દેખીતી રીતે જ તેની સંમતિ વિના. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ યુવતીની ગોપનીયતાના ભંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તેના ચહેરા પર સ્પષ્ટપણે અસ્વસ્થતા અને બેચેની જોઈ શકાય છે. આ ઘટનાએ વ્યક્તિગત ગોપનીયતા અને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવાના દાયરા અંગે ચર્ચા છેડી દીધી છે. લોકોનું માનવું છે કે, ઓનલાઇન ‘વ્યૂઝ’ મેળવવા માટે કોઈએ પણ અનિચ્છનીય ધ્યાનનો ભોગ બનવું ન પડે કે પછી તેમની ગરિમાને ઠેસ પહોંચે તેવી સ્થિતિનો સામનો કરવો ન પડે. આ ઘટના બાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સે હાથરસ પોલીસને ટેગ કરીને વિનંતી કરી કે તેઓ આ વીડિયોની તપાસ કરે અને નક્કી કરે કે શું કાયદેસરની કાર્યવાહી જરૂરી છે કે કેમ. જવાબમાં, હાથરસ પોલીસે ફરિયાદીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, પોલીસના આ પ્રતિભાવની ટીકા થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે, મામલાની તપાસ શરૂ કરવા માટે ફરિયાદીએ પોલીસ સ્ટેશને જવું પડે તે જરૂરી નથી; સત્તાવાળાઓ જાહેરમાં ઉપલબ્ધ સામગ્રી (વીડિયો) જોઈને પ્રાથમિક તપાસ કરી શકે છે. એક યુઝરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તે ’રીલ’ (Reel)ની લિંક શેર કરતા પોલીસને આ બાબતે ધ્યાન આપવા અને તપાસ શરૂ કરવા વિનંતી કરી. તે યુઝરે લખ્યું, “સર, ઇન્સ્ટાગ્રામ આઈડી અને સંબંધિત રીલની લિંક ઉપલબ્ધ છે, જેમાં યુવતીનો ચહેરો પણ સ્પષ્ટ દેખાય છે. જો તમે ઈચ્છો તો, આ માહિતીના આધારે સરળતાથી તપાસ કરી શકો છો અને ‘સુઓ મોટુ’ (ર્જે ર્દ્બેં – સ્વયં સંજ્ઞાન) લઈને યોગ્ય કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકો છો.” તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે શું દરેક કિસ્સામાં ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવવાની જરૂર છે ? તેમણે ઉમેર્યું, “દરેક કિસ્સામાં ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવવાને બદલે, પોલીસે આવા મામલાઓમાં શક્ય હોય ત્યાં પહેલ કરવી જોઈએ. કૃપા કરીને આ બાબતે તપાસ કરો અને કાર્યવાહી કરો.” બીજા એક યુઝરે વિવિધ સમુદાયો સાથે સંકળાયેલી ફરિયાદોના નિરાકરણમાં અસમાન વર્તન તરીકે વર્ણવતા પ્રશ્ન કર્યો અને આરોપ લગાવ્યો કે જ્યારે અન્ય સમુદાયોના વપરાશકર્તાઓ મુસ્લિમો વિરુદ્ધ આરોપો લગાવે છે ત્યારે પોલીસ વધુ ઝડપથી કાર્યવાહી કરે છે પરંતુ જ્યારે મુસ્લિમો કાર્યવાહી માંગે છે ત્યારે લેખિત ફરિયાદ માંગે છે. “આ કેવો તર્ક છે ? જ્યારે અન્ય સમુદાયોના લોકો તમને મુસ્લિમો વિરૂદ્ધ ટેગ કરે છે, ત્યારે તમે તાત્કાલિક કાર્યવાહી કરો છો, પરંતુ જ્યારે મુસ્લિમો તમને ટેગ કરે છે, ત્યારે તમે કહો છો કે ‘લેખિત ફરિયાદ દાખલ કરો’, જે કેસમાં વિલંબ કરે છે,” યુઝરે લખ્યું. આ એક્સચેન્જે પોલીસની પ્રતિભાવશીલતા, સમાન વર્તન અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા કથિત ગોપનીયતા ઉલ્લંઘનના નિરાકરણ અંગે ઓનલાઈન ચર્ચામાં વધારો કર્યો છે. એકાઉન્ટ ધારક સામેના આરોપોની સ્વતંત્ર રીતે ક્લેરિયન ઈન્ડિયા દ્વારા ચકાસણી થઈ શકી નથી. લખતી વખતે તપાસ અથવા કાનૂની કાર્યવાહીની કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નહોતી.