
(એજન્સી) નવી દિલ્હી, તા.૪
પોલીસે સોમવારના જાણકારી આપી કે, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ઉરુવા પોલીસ સ્ટેશન વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિના ધોરણ ૬ના વિદ્યાર્થીને તેના પગ સ્પર્શ ન કરવા બદલ શિક્ષક દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો અને જાતિ આધારિત અપમાનનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, એવો આરોપ છે કે, શિક્ષકે વિદ્યાર્થીને સન્માનના તરીકે તેમના પગને સ્પર્શ ન કરવા પર માર માર્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે હુમલાના કેસમાં આરોપી શિક્ષક વિરુદ્ધ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અધિક પોલીસ અધિક્ષક (છજીઁ) જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. તપાસ અને પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેન્દ્ર કુમારે જણાવ્યું કેે, આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવશે અને તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.