(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ૨૦૧૩ અન્વયે મા અન્નાપૂર્ણા યોજના એપ્રિલ ૨૦૧૬થી અમલમાં મૂકી હતી. સસ્તા અનાજના દુકાનદારો ગ્રાહકોના બોગસ ફિગર પ્રિન્ટ ડેટાના આધારે સરકારી અનાજ કાળાબજારમાં સગેવગે કરતા હોવાના કૌભાંડમાં વધુ ચાર દુકાનદારોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની લાયસન્સવાળા દુકાનદારો દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અંતર્ગત રાશનકાર્ડના લાભાર્થીઓને સસ્તુ અનાજ મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા તમામ સસ્તા અનાજના દુકાનદારોને લાભાર્થી અનાજ લેવા માટે આવે ત્યારે તેમના ફિંગરપ્રિન્ટ લેવા માટેનું સોફટવેર બનાવ્યું છે લાભાર્થીનો રેશનકાર્ડ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ એન્ટર થયા બાદ સાચા લાભાર્થીને સરકારી અનાજ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સસ્તા અનાજના દુકાનદારો પોતાના અંગત આર્થિક લાભ માટે જે લાભાર્થી દુકાને આવી અનાજ નથી લઈ ગયા તેવા લાભાર્થીઓના બોગસ ફિંગર પ્રિન્ટ મેળવી તેઓ અનાજ લઈ ગયા છે તેવું સોફટવેરમાં દર્શાવી અનાજ કાળાબજારમાં વેચી દેતા હતા. આ બનાવ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શનિવારે ઉધના વિસ્તારના બે સસ્તા અનાજના દુકાનદારોની ધરપકડ થઈ હતી. આજરોજ વધુ ચાર રેશનિંગના દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે. બંસીલાલ કથજાડની મોટાજી ચંદેડ જાતે ખટીક ઉ.વ. ૫૨ રહે. હરીનગર-૧ અંબા માતાના મંદિર સામે ઉધના, લક્ષ્મણલાલ ઉર્ફે છન્નુ ભંવરલાલ બોલીવાલ ઉ.વ. ૩૬ રહે. એ/૮ ઓમ સાંઈ જલારામનગર વિભાગ-૨ હરિનગર ઉધના, રાહુલ મદનલાલ સુથલ (ખટીક) ઉ.વ. ૨૩ રહે.૨૦૨ દેવ રેસિડેન્સી એ.કે. રોડ સરસ્વતી સ્કૂલની સામે વરાછા રોડ અને કૃણાલ રજનીકાંત મિસ્ત્રી ઉ.વ. ૨૭, રહે. કરણગામ તળાવની બાજુમાં પલસાણાની અટક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ક્રાઇમ બ્રાંચે આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહ્યું છે.