(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ત્રણ તલાક બિલ પસાર થયા બાદ મુસ્લિમ મહિલાઓ દ્વારા ઉજવણીના સમાચારો ગુજરાતના તમામ મીડિયામાં પાછલા દિવસોમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા પરંતુ આ અંગે એક મોટો ખુલાસો બહાર આવ્યો છે. અહેવાલ મુજબ સુરતના એક સ્થાનિક અખબારમાં છપાયેલ ખબર અનુસાર લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થયા બાદ જે મહિલાઓ દ્વારા આ મામલાની ઉજવણી કરવામાં આવી તે તમામ બહેનો આ બાબતથી ફરી ગઈ હતી. અખબાર અનુસાર આ મહિલાઓએ ભાજપ કાર્યકર્તા હમીદા મિરઝા પર દગો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મહિલાઓએ જણાવ્યું હમીદાએ આ મહિલાઓને ગેસનો બાટલો અને ૧પ૦૦ રૂપિયાની મદદ આપવાનું કહ્યું હતું અને પોતાની સાથે મેહુરલક્ષ્મી મંદિરમાં લઈ ગઈ. આ મંદિરમાં મીઠાઈ વહેંચવામાં આવી રહી હતી અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જ્યારે હમીદા આ બહેનો સાથે મંદિરમાં પહોંચી તો તેમને પણ મીઠાઈ ખવડાવવામાં આવી અને પત્રકારોએ તેમની તસવીર લીધી. બીજા દિવસે અખબારમાં ‘ટ્રિપલ તલાક બિલ પર મુસ્લિમ મહિલાઓની ખુશી’ જેવા મોટા હેડિંગ સાથે આ મહિલાઓની મીઠાઈ ખવડાવતા હોવાની તસવીરો છપાઈ હતી.
આ મામલામાં મુસ્લિમ મહિલા સુરક્ષા સંગઠનના રૂબીના મુલતાનીએ જણાવ્યું કે, આ ખુલ્લેઆમ દગાખોરી છે મુસ્લિમ મહિલાઓને એક યોજનાના લાભના નામે બોલાવીને મીઠાઈ ખવડાવો છો જે આવા પ્રસંગે હાજર કોઈપણ વ્યક્તિ વિવેક ખાતર પણ ઈન્કાર કરી શકે નહીં. ટ્રિપલ તલાક બિલની ઉજવણીમાં દગાથી મુસ્લિમ મહિલાઓને સામેલ કરી લેવાના પ્રપંચના ભાજપના કાર્યકર્તા મહિલા હમીદા મિરઝા ઉપરાંત વિનોદ જૈન, જીગીશ દવે પર પણ આ મહિલાઓએ દગાખોરીનો આરોપ મૂક્યો છે.