ઘરમાંથી ઉપાડીને ‘બાંગ્લાદેશી’ ગણાવ્યા : બંગાળી મુસ્લિમ પિતા અને ત્રણ પુત્રોને સરહદ પાર ધકેલી દેવાયા

૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પિતા અને પુત્રએ મતદાન કર્યું હોવાના પુરાવા હોવા છતાં પોલીસ અને મ્જીહ્લ દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ

 

(એજન્સી) મુર્શિદાબાદ, તા.૨૫
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બાલિયાઘાટી ગામમાં રહેતા એક બંગાળી મુસ્લિમ પરિવારના ચાર સભ્યોને સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ જવાનોએ ઘરમાંથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ તેઓને ‘બાંગ્લાદેશી’ ગણાવીને સરહદ પાર (બાંગ્લાદેશ) ધકેલી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ માનવાધિકાર સંગઠન ‘બંગ્લાર માનવાધિકાર સુરક્ષા મંચ’ (MASUM) દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ ૧૩ અને ૧૪ ઓગસ્ટની રાત્રે ૬૦ વર્ષીય ડાબલુ શેખ અને તેમના ત્રણ પુત્રો – કાયમ શેખ (૨૯), રઝાઉલ શેખ (૨૦) અને અસ્માઉલ શેખ (૧૬ વર્ષનો સગીર)ને પોલીસે તાબે લીધા હતા. ડાબલુ શેખના પત્ની જહાનરા બીબીના જણાવ્યા અનુસાર પાંચથી છ સિવિલ ડ્રેસ વાળા પોલીસ કર્મચારીઓ ડાબલુને લઈ ગયા હતા. પરિવાર જ્યારે નજીકના પોલીસ કેમ્પમાં પૂછપરછ કરવા ગયો ત્યારે તેમના ત્રણેય પુત્રો પણ ત્યાં અટકાયતમાં હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીઓએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, આ ચારેય ભારતીય નાગરિક નથી પરંતુ ‘બાંગ્લાદેશી’ છે ‘માસુમ’ (MASUM) સંગઠનની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે સપ્ટેમ્બરમાં કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, ડાબલુ શેખ અને તેમના પુત્ર કાયમ શેખના નામ મતદાર યાદીમાં સક્રિય છે અને તેમણે ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું. આ ઉપરાંત ડાબલુ શેખ પાસે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને અન્ય રહેઠાણના પુરાવાઓ છે. વધુમાં ડાબલુ શેખના પિતા સ્ક સામજાનીનું નામ વર્ષ ૧૯૬૬ની મતદાર યાદીમાં પણ નોંધાયેલું છે. આ તમામ દસ્તાવેજો હોવા છતાં પોલીસે તેમને બાંગ્લાદેશી નાગરિક જાહેર કરી દીધા હતા. આ મામલે સુતી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અભિજિત બસુ મલ્લિકે જણાવ્યું હતું કે, તેઓ ડાબલુ શેખ બાંગ્લાદેશી નાગરિક હોવાની બાબતે ‘નિશ્ચિત’ હતા. તેમણે ઉમેર્યું હતું કે, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)ના આદેશ બાદ ડાબલુ અને તેમના પુત્રોને સીમા સુરક્ષા બળ (BSF)ને સોંપવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશ તરફ ધકેલી દેવામાં આવ્યા છે. જો એક જ પરિવારના કેટલાક સભ્યો ભારતીય નાગરિક છે, તો બાકીના સભ્યોને કયા આધારે વિદેશી ગણવામાં આવ્યા ? ખાસ કરીને ૧૬ વર્ષના સગીર અસ્માઉલ શેખને પુખ્ત વયના વિદેશી નાગરિકની જેમ સરહદ પાર ધકેલી દેવા સામે કાનૂની અને બાળ સુરક્ષાના નિયમોના ભંગ બદલ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ‘માસુમ’ સંગઠને માંગ કરી છે કે, આ પરિવારને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ભારતમાં પાછા લાવવામાં આવે. આ ઉપરાંત આ સમગ્ર ઘટના, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ, FRRO કાર્યવાહી અને BSFને સોંપવાના રેકોર્ડની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી બંગાળી બોલતા મુસ્લિમોને ‘બાંગ્લાદેશી ઘૂસણખોર’ કહીને યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના સરહદ પાર મોકલી આપવાના કિસ્સાઓમાં વધારો થયો હોવાના આરોપો લાગી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks