ઘા ઊંડો છે… વિનેશ ફોગાટ દિલ્હી એરપોર્ટ પર ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી

પેરિસથી પરત ફરેલી ફોગાટના સ્વાગત માટે બજરંગ અને સાક્ષી સહિત સેંકડો પ્રશંસકો ઉમટી પડ્યા

નવી દિલ્હી, તા.૧૭
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારતની દીકરી દિલ્હી પરત ફરી છે. ભારતીય પહેલવાન વિનેશ ફોગાટનું ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે શાનદાર સ્વાગત કરાયું. સેંકડો લોકોની ભીડ અને લાંબા સમય બાદ પોતાના ઘરવાળાને જોઈ તે ભાવુક થઈ રડવા લાગી. તેના આંસુ રોકાઈ રહ્યા ન હતા. તેની પીડા જોઈ દરેક જણ ભાવુક થઈ ગયો. તે સતત આંસુ લૂછી રહી હતી. તેના મોંમાંથી એકપણ શબ્દ નીકળ્યો નહીં. દિલ્હી એરપોર્ટ પર તેના સ્વાગત માટે તેની ફેમિલી ઉપરાંત ભારતના સ્ટાર રેસલર ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેને પેરિસ ઓલિમ્પિકમાં ત્યારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેને ૧૦૦ ગ્રામ વધારે વજન હોવાના કારણે પ૦ કિલોગ્રામ ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર કરી દેવાઈ હતી. વિનેશ ફોગાટના શનિવારે ભારત પરત ફરવાને લઈ દિલ્હીના વિમાન મથકે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પહેલાથી અંદાજ હતો કે સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા. પહેલવાને ઓલિમ્પિક પોડિયમ પર ન પહોંચવા બદલ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પોતાની વ્યક્તિગત નિરાશાને ભારતમાં મહિલાઓના અધિકાર માટે વ્યાપક સંઘર્ષ સાથે જોડવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks