(એજન્સી) નવી દિલ્હી, તા.૯
અરૂણાચલપ્રદેશના એક દુરોગામી વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો હાથ મિલાવતા નજરે પડ્યા હતા. બન્ને દેશના સૈનિકોએ થોડા દિવસો પહેલાં સીમા ઉપર થયેલ વિવાદને ઉકેલ્યો હતો. અરૂણાચલપ્રદેશના વિસ્તારમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યા હતા અને બાંધકામ કરી રહ્યા હતા તે વખતે ભારતીય સૈનિકો પહોંચી ગયા હતા અને ચીની સૈનિકોને પાછા જવા દબાણ કર્યું હતું. આ ઘટના અરૂણાચલપ્રદેશના ઉત્તરના ભાગે સિઆંગ જિલ્લાના ટયુટિંગ વિસ્તારમાં બની હતી. ચીની સેના બુલડોઝર સાથે રોડ બનાવવા ધસી આવી હતી. ભારતીય સેનાએ બુલડોઝર પણ કબજે કર્યું હતું જે પછીથી પાછું અપાયું હતું. વીડિયોમાં જણાઈ આવે છે કે, આ ઘટના ભારત અને ચીનના એલએસી પાસે બની હતી જેમાં બન્ને દેશના સૈનિકો વિનમ્રતાથી હાથ મિલાવી રહ્યા છે. ક્લિપના અંતમાં બતાવાયું છે કે, ભારતીય અધિકારી ચીનના અધિકારીને કહી રહ્યા છે કે, સાધનો ઔપચારિક મીટિંગ પછી તમને પાછા આપીશું. એમણે હાથ મિલાવ્યા હતા અને અન્ય ભારતીય અધિકારીએ સલાહ આપી કે કોઈક વખતે સાથે બેસી જમવાનો કાર્યક્રમ ગોઠવો. ગઈકાલે સેનાધ્યક્ષ રાવતે કહ્યું હતું કે, ટયુટિંગ ઘટના એ બે દેશોના વિવાદને ઉકેલ્યો હતો.