(એજન્સી) નવી દિલ્હી, તા.૪
જાહેરાત એજન્સીને બાકી નીકળતા રૂા.૬.ર૦ કરોડ ચૂકવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ અદાલતે દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતની પત્ની તથા રજનીકાંતને ઠપકો આપ્યો હતો. ફિલ્મ ‘કૌચાદૈયા’ના નિર્માણ માટે રૂા.દસ કરોડની લોન આપવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ તેમની પુત્રી સૌંદર્ય રજનીકાંતે કર્યું હતું.
જસ્ટિસ રંજન ગોગોઈ અને આર.ભાનુમતિની ખંડપીઠે બાકી નીકળતા રૂપિયા નહીં ચૂકવવા બદલ લથા સામે લાલ આંખ કરી હતી. જસ્ટિસ ગોગોઈએ જણાવ્યું હતું કે, અમને એવા લોકો બિલકુલ પસંદ નથી જેઓ કોર્ટના આદેશનું પાલન કરતાં નથી. અમે એવું વિચારીએ છે કે, તમારે સુનાવણીનો સામનો કરવો જોઈએ. જો તમે નિર્દોષ હશો તો તમે છૂટી જશો જેથી સુનાવણીનો સામનો કરો.
ફેબ્રુઆરી માસમાં લથાના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે બાકી નીકળતા રૂપિયા ત્રણ માસમાં ચૂકવી દેવાશે. જો તેઓની કંપની ત્રણ માસમાં આ લોન ન ચૂકવે તો લથા રજનીકાંત વ્યક્તિગત રીતે રૂા.૬.ર કરોડ ચૂકવશે. અલબત્ત, મંગળવારે તેમની કંપનીના વકીલોએ કોર્ટને માત્ર રૂા.દસ લાખનો ચેક ચૂકવવાની તૈયારી બતાવી હતી.