ચુડાના કંથારિયામાં એક સાથે ૨૦ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા : એક ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૬
ચુડા તાલુકાના કંથારિયા ગામમાં ૨૦ મકાનોમાં ૧૫ જેટલા તસ્કરોની ટીમો ગતરાત્રે ત્રાટકતા રૂા.૨૫ લાખથી વધુની ચોરી કરી પલાયન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેમાંથી એક તસ્કરને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ ચોરીના બનાવને પગલે સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચુડા તાલુકાના કંથારિયા ગામ ખાતે ગત રાત્રિના ૨થી ૩ વાગ્યાના સુમારે ૧૫થી ૨૦ જેટલા તસ્કરોએ ૨૦ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ તસ્કર ગેંગના કરતબની પોલીસ તંત્રને જાણ થતાં લીંબડી ડીવાયએસપી. પી.જી.જાડેજા, પીએસઆઈ ચુંડા તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી જતાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ તસ્કર ગેંગમાં સંડોવાયેલ સભ્યો કોણ હતા ? ક્યાના હતા ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરી બાદ આ તસ્કરો ગામમાં આવેલ નદીના પાણીમાં થઈને નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. તસ્કરો પાસે ઘાતક હથિયારો હોવાની પણ ચર્ચા રહી છે. આ ગેંગનો એક આરોપી કુદકો મારતા ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. આ ચોરીના બનાવમાં ૧૫ જેટલા મકાનોમાંથી રોકડ-ઝવેરાત, સોના-ચાંદીના દાગીના મળી ૨૫ લાખથી વધુની ચોરી થયાનું જાણવા મળેલ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી, એલસીબી શાખા અને એસઓજી શાખા પણ ઘટના સ્થળે પહોંચી જતાં આખુ ગામ પોલીસ છાંવણીમાં ફેરવાઈ ગયું છે. ચોરીનો આંક મોટો હોવાને લીધે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવનાર છે. તસ્કોની ગેંગનો એક આરોપી રવિ સોમાભાઈ ઝડપાઈ જતા આ ચોરીના બનાવનો ભેદ પણ જલ્દી ઉકેલાઈ જવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં અવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts