(એજન્સી) તા.ર૩
જ્યારે હવે અનેક રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓને કારણે લોકોના રોષનો સામનો કરી રહેલ ભાજપ હવે મુશ્કેલીમાં મૂકાઈ છે. દરમિયાન ઘણી જગ્યાએ કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યોની ભાજપ સરકારના પણ બેવડાં વલણ સામે આવી રહ્યાં છે. રાજકીય લાભ ખાટવા માટે ચૂંટણી ટાણે અવનવી જાહેરાતો કરીને ફરીથી લોકોને ફોસલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ભાજપે જ કહ્યું છે મેઘાલયમાં ગૌમાંસ પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે. જો આવું બનશે તો પછી આખા દેશમાં શા માટે ગૌમાંસ પર પ્રતિબંધની વાતો કહેવામાં આવી હતી તેનો કોઈ જવાબ આપવા તૈયાર નથી ? હાલમાં ભાજપે મેઘાલયમાં આ મુદ્દો ફરી છંછેડતા કહ્યું છે કે કોંગ્રેસ આગામી વર્ષે યોજનાર ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. જો કે આ તો ફક્ત એક આરોપ જ છે. ર૦ ઓક્ટોબરના રોજ ભાજપના અધ્યક્ષ શિબુન લિંગદોહે કહ્યું કે કેન્દ્રએ મેઘાલયમાં ગૌમાંસ પર પ્રતિબંધ નથી મૂક્યો. તેમણે એમ પણ કહ્યું કે ર૩ મેના રોજ નોટિફિકેશમાં પશુ બજારોને નિયમિત કરવાની વાત કહેવામાં આવી છે જેમાં પશુ બજારોમાં કામકાજ અને વેપાર માટે લવાતા પશુઓ સાથે કરાતાં વર્તનની વાત કહેવામાં આવી છે. ભાજપ પ્રવક્તા જે એ લિંગદોહે નિવેદન જારી કરીને કહ્યું કે પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે પૂર્વોત્તર રાજ્યોમાં બીફ બેન લાગુ કરવામાં નહીં આવે. પશુધન તો રાજ્યનો મામલો છે. તેના પર રાજ્યોએ જ નિર્ણય કરવાનો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ લાગુ નહીં કરવામાં આવે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે ગાયની કતલને રોકવી એ આર્થિક પગલાં માટે પણ સારી નથી અને બંધારણીય પીઠબળ માટે પણ સારી નથી. પ્રતિબંધ મૂકવો તો એક સારી પહેલ જ છે ન કે બંધારણ સંમત છે. ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત રાજ્યોમાં ભારે જોરશોર સાથે ગૌરક્ષા કરવાના નામે અનેક મુસ્લિમોની અને દલિતોની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારનું આ બેવડું વલણ સ્પષ્ટ કરે છે કે તેમના માટે ફક્ત ચૂંટણી જ મહત્વ ધરાવે છે નહીં કે કોઇ રાજ્ય કે પછી દેશ કે પછી કોઇ પ્રજા. ગૌરક્ષાના નામે અનેક હિંસક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે.સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે મેઘાલયમાં ચૂંટણી જીતવા ભાજપે તેના સ્ટેન્ડ સાથે સમાધાન કરી લીધું છે અને નીચું નમતું દાખવતાં બીફ બેન ન મૂકવાનો વાયદો કરી દીધો છે. શું હવે બીફ બેન મૂકવાના પક્ષધરો કોઇ વિરોધ નહીં દર્શાવે ?