ચેમ્પિયન્સ ટ્રોફીનું સરતાજ બન્યું ભારત : દેશભરમાં આતશબાજી અને ઉજવણીનો વિસ્ફોટ

દુબઈના ભવ્ય સ્ટેડિયમ પર રમાયેલી ફાઈનલમાં રોહિત શર્માની આક્રમક કેપ્ટન ઈનિંગ અને સ્પીનરોની જાદુઈ કરામત બોલિંગની મદદથી ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે પરાજય આપ્યો

ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરીને ઈતિહાસ રચતી રોહિત શર્માની જાંબાઝ ટીમ :ICCની તમામ વ્હાઈટ બોલ ટુર્નામેન્ટમાં વિજય અપાવનાર પ્રેરક સુકાની તરીકે ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી અક્ષરે નામ અંકિત કરાવતો રોહિત શર્મા

રાજકોટથી રાયપુર સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી  સુધી ચારે તરફ ભારતીય ટીમના વિજયની અભૂતપૂર્વ ઉજવણી, દરેક નાના-મોટા શહેરમાં હજારો ક્રિકેટ ચાહકો રસ્તા પર આવી ગયા અને રાતભર ઉજવણી કરી

(એજન્સી)                 દુબઈ, તા.૯
રોહિત શર્માની આક્રમક કેપ્ટન ઈનિંગ સાથેના ધૂંવાધાર ૭૬ રન અને સ્પીનરોની જાદુઈ સ્પીન કરામતની પાંખ પર સવાર થઈને આજે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની રોમાન્ચક ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટે પરાસ્ત કર્યું હતું અને ઐતિહાસિક ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફિનો તાજ વટભેર ધારણ કર્યો હતો. ફાઈનલમાં ભારતની શાનદાર જીત સાથે જ દેશભરમાં ઉજવણીનો વિસ્ફોટ શરૂ થઈ ગયો હતો અને નાના-મોટા શહેરો અને મહાનગરોમાં રાત રંગીન બની ગઈ હતી અને ભવ્ય આતશબાજીથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. હજારો લોકો વિજયના વધામણા કરવા માટે રસ્તા પર નીકળી પડ્યા હતા અને હજારો ક્રિકેટ ચાહકોએ રાતભર ભારતની ટીમના વિજયની ઉન્માદભેર ઉજવણી કરી હતી. ટીમ ઉપર ઠેર-ઠેરથી અભિનંદનની વરસાદ થઈ રહી છે. ફાઈનલ જંગમાં એક તબક્કે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને દાવ લીધા બાદ આક્રમક શરૂઆત કરી હતી. ખાસ કરીને રચિન રવિન્દ્રએ તોફાની શરૂઆત ટીમને આપી હતી. સુકાની સેન્ટનરે સૂકી ભઠ્ઠ બનેલી પીચ જોઈને ટોસ જીતીને વિના વિલંબે પ્રથમ બેટિંગ પંસંદ કરી હતી. સેમિફાઈનલમાં સદી કરનાર રવિન્દ્રએ પૂરા આત્મવિશ્વાસ સાથે ભારતના પ્રારંભિક ઝડપી બોલરો શમી અને હાર્દિક પંડ્યાની ધોલાઈ કરી નાખી હતી એટલે રોહિત શર્માએ છઠ્ઠી જ ઓવરમાં સ્પીનરના હાથમાં દડો આપ્યો હતો. કીવિઝ ટીમે સાત ઓવરમાં પ૦ રન કરી નાખતા ભારતીય પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં સૂનકાર છવાઈ ગયો હતો. ભારતની ફિલ્ડિંગ પણ નબળી રહી હતી અને રચિનને બે ચાન્સ મળ્યા હતા. આ જોડીએ રચિન અને વિલ યંગની જોડીએ ૫૮ રનની ભાગીદારી જોત જોતામાં કરી નાખી હતી પણ શર્મા વરૂન ચક્રવર્તીને લાવ્યો અને વિકેટ લેવમાં માહેર સ્પીનરે વિલ યંગને પેવેલિયનમાં મોકલી જોડી તોડી હતી. એ પછી બંને છેડેથી રોહિતે સ્પીન એટેક શરૂ કરવા માટે કુલદિપ યાદવને દડો આપ્યો હતો અને યાદવે તેની પહેલી જ ઓવરમાં પહેલો જ દડો અફલાતુન ગૂગલી ફેંકીને ડેન્જરસ રચિન રવિન્દ્રની ડાંડી પાડી હતી. આ વિકેટ ભારત માટે ખૂબ જ મહત્ત્વની રહી હતી કેમ કે, રનની ગતીને બ્રેક લાગી હતી. ૧૮ રનમાં ત્રણ વિકેટ પડી હતી. કુલદિપે બીજો શિકાર વિલિયમ્સનનો કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ લાથામને ન્મ્ઉ કર્યો હતો. એ પછી જ ભારતીય સ્પીન આક્રમણ સામે માંડ માંડ મુકાબલો કરી રહેલા ફિલિપ્સ અને ડેરીલ મિચેલ વચ્ચે ૫૭ રનની ભાગીદારી થઈ હતી. ચારે ચાર સ્પીનરોએ ન્યુઝીલેન્ડના બેટરોને બાંધી લીધા હતા અને છૂંટ લેવા દીધી નહોતી. ફિલિપ્સ ૩૪ રન કરી ચક્રવર્તીનો શિકાર બન્યો છેલ્લે બ્રેસવેલે સટાસટી કરી ૪૦ દડામાં ૫૦ ફટકાર્યા હતા પણ એ લાંબો ટિક્યો નોહતો. એ પછી મિચેલને તેના અંગત ૬૩ રને શમીએ પેવેલિયન ભેગુ કરતા ન્યુઝીલેન્ડની જંગી જુમલાની કોશિશો નિષ્ફળ નીવડી હતી અને ન્યુઝીલેન્ડ ૭ વિકેટે ૨૫૧ રન કરીને અટકી ગયું હતું. ૨૫૨ રનના મુશ્કેલ ન કહેવાય એવા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા સુકાની રોહિત શર્માએ ઝનઝાવાતી શરૂઆત કરી હતી. શર્માએ આક્રમક અઢદી સદી ફટકારી હતી અને ૭૬ રન કરીને એ વિદાય થયો હતો. એ પછી કોહલીની વિકેટ સસ્તામાં પડી ગઈ હતી પણ શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલે રનનું પાટીયું ફરતું રાખ્યું અને ભારતે રોહિતના ૭૬, શ્રેયસ ઐયરના ૪૮ રન, કે.એલ. રાહુુલના અણનમ ૩૪ રનની મદદથી છ દડા બાકી હતા ત્યારે ૨૫૨ રન કરી લઈ ભવ્ય અને શાનદાર વિજય મેળવ્યો હતો. આ રીતે ભારતે રમતના ત્રણેય ફોર્મેટમાં કલાત્મક રમત બતાઈને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામ કરી હતી અને ઓસ્ટ્રેલિયાથી આગળ નીકળી ગયું હતું. ઓસ્ટ્રેલિયા બે વખત ટ્રોફી જીત્યું છે પણ ભારતે ત્રણ વખત હાંસલ કરી ઈતિહાસ રચી નાખ્યો છે. ૈંઝ્રઝ્રની તમામ વાઈટ બોલ ટુર્નામેન્ટના ટાઈટલ જીતનાર ધોની પછીનો બીજો કેપ્ટન રોહિત શર્મા બન્યો છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts