ચેલા ગામના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત : ૧૧ને ઈજા

જામનગર, તા. ૬
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર બપોરે જામનગરના એક પરિવારની ભોળેશ્વર જતી રિક્ષાને પૂરઝડપે ધસી આવેલી મોટરનું ટાયર ફાટતા અકસ્માત નડયો હતો. રિક્ષામાં જઈ રહેલા વ્યક્તિઓ પૈકીના અગિયાર વ્યક્તિઓ અને મોટરમાં રહેલા બે વ્યક્તિઓ સહિત તેરને ઈજા થતા ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ તેમજ ધારાસભ્ય, મેયર, સ્ટે. ચેરમેન દોડી આવ્યા હતા. સારવારમાં રહેલા રિક્ષાચાલકનું આજે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને હજુ સારવાર આપવામાં આવી રહી છે.
જામનગરના હાપા રેલવે કોલોનીમાં રહેતા રાજેશભાઈ અરજણભાઈ પરમાર નામના ખવાસ ગૃહસ્થ પોતાના સગા-સંબંધીઓ સાથે પોતાની જ રિક્ષામાં જામનગરથી લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે જવા નીકળ્યા હતા.
આ રિક્ષા જ્યારે લાલપુર બાયપાસથી આઠેક કિ.મી. દૂર ચેલા ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે પૂરઝડપે ધસી આવેલી જીજે-૧૦-બીઆર ૩૪૨૯ નંબરની મારૃતી સુઝૂકી સ્વીફટ મોટર બાજુમાંથી પસાર થઈ હતી. આ વેળાએ મોટરનું એક ટાયર કોઈ રીતે ફાટતા તે મોટર બેકાબૂ બની ફૂલ સ્પીડમાં રિક્ષા સાથે ટકરાતા બન્ને વાહનોનો કડૂસલો બોલી ગયો હતો.
રિક્ષામાં મુસાફરી કરી રહેલા બાળકો તથા સ્ત્રીઓએ અકસ્માતના પગલે પાડેલી ચીચિયારીથી ધોરીમાર્ગ ગાજી ઉઠયો હતો. જ્યારે નજીકમાંથી પસાર થતા અન્ય વાહનો થભ્યા હતા જેમાંથી કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી હતી તેમજ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બનાવના સ્થળે ધસી ગયો હતો. પોલીસે કેટલાક વ્યક્તિઓની મદદથી રિક્ષામાં રહેલા વ્યક્તિઓને બહાર કાઢી ૧૦૮માં મોકલવાની તજવીજ શરૃ કરી હતી. તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks