(એજન્સી) તા.૧૮
રવિવારે ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે ૪ લોકોના મોત થયાં હતાં અને મહારાષ્ટ્રના બે જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી તરીકે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉ.ભારતમાં રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉ.પ્ર.ના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. જો કે દિલ્હીમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા વધી જતાં બફારો અને ગરમી વધી ગયાં છે. તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ એટલે કે ૩૬.૫ ડિગ્રી સે. નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. આસામમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો થયો છે જ્યારે બિહાર હજુ પણ પ્રચંડ પૂરની પક્કડમાં છે. બિહારમાં પ્રચંડ પૂરના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨૫૦૦ લોકો પ્રભાવિત થતાં ૧૬ જિલ્લાના કુલ ૮૧૪૪૩૫૬ લોકો પૂરથી પ્રભાવિત થયાં છે એવું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું. ઓડિશામાં બંગાળના અખાતમાં હળવું દબાણ સર્જાતા ત્રાટકેલા અતિ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ભાગોમાં ધસમસતા પૂર આવ્યાં હતાં અને અનેક વિસ્તારોના રસ્તા તૂટી ગયાં હતાં અને કાચા ઘરો તેમ જ પાકને નુકસાન થયું હતું. રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે મકાનની દીવાલ ધરાશયી થતાં બાલાંગીર જિલ્લાના પટણાગઢ બ્લોકના એક ગામમાં એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થયાં હતાં. ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ ૧૯ની આસપાસ ઉત્તરીય બંગાળના અખાતમાં ંહળવું દબાણ સર્જાવાની શક્યતા અંગે આગાહી કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ મુંબઇ, રાયગઢ અને પાલઘરમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિવિધ બંધો છલકાતા સત્તાવાળાઓને પાણી છોડવું પડ્યું હતું. કેરળમાં ભૂ-સ્ખલનને કારણે વધુ ત્રણના મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક ૫૮ થયો છે. પેટીમૂડીમાં ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે ગ્રાઉન્ડ પેનિટેટીંગ રડાર (જીપીઆર)નો ઉપયોગ કરાશે. આમ ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ભારે તારાજી તબાહી સર્જી છે. ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.