ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપે ઝંખના પટેલને રિપીટ કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ૨૮ ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર કર્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લાની વિવાદિત ૬ વિધાનસભા પૈકી એક માત્ર ચોર્યાસી વિધાનસભા પરથી ઝંખના પટેલને રિપીટ કરવામાં આવી છે. ચોર્યાસી બેઠક રાજા પટેલના અવસાન બાદ ખાલી પડતા તેમની પુત્રી ઝંખના પટેલને ભાજપે ટિકિટ ફાળવી હતી. ભાજપે ઝંખના પટેલ પર ફરી વિશ્વાસ મૂકીને બીજી ટર્મ માટે તેણીને રિપીટ કરી હતી.
ઉધના બેઠક માટે ભાજપના ઉત્તર ભારતીય કાર્યકર્તાઓ દ્વારા ટિકિટની દાવેદારી કરવામાં આવી હતી, પરંતુ આખરે ભાજપે મહેસાણા પટેલ સમાજના ઉમેદવાર વિવેક પટેલને ઉધના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે કતારગામ બેઠકના બે ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીને પડતા મૂકીને પ્રજાપતિ સમાજનો જાણીતો ચહેરો અને ત્રણ ટર્મથી નગરસેવક વિનુભાઈ મોરડિયાને આ વખતે વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપી છે. સુરત ઉત્તરની બેઠક પરથી ગુજરાત વિધાનસભાના દંડક અને શહેર પૂર્વ મેયર અજય ચોકસીની ટિકિટ કાપીને પૂર્વ કોર્પોરેટર કાંતિલાલ બલરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાટીદારોના પ્રભુત્વવાળી કરંજ વિધાનસભા માટે સીટિંગ ધારાસભ્ય જનક બગદાણાવાલાની ટિકિટ કાપીને બે ટર્મથી કોર્પોરેટર રહેલા પ્રવીણભાઈ ઘોઘારીને ટિકિટ આપી છે. પાટીદારોના ગઢ સમાન કામરેજ બેઠક પરથી સીટીંગ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાને પડતા મૂકીને પૂર્વ કોર્પોરેટર વીડી ઝાલાવાડિયાને ભાજપે ટિકિટ ફાળવી છે. ભાજપ અને કોંગ્રેસ શહેર-જિલ્લાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરતા હવે વિધાનસભા ચૂંટણીનો જંગ જામશે એમ પ્રતિત થઇ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks