
અમદાવાદ, તા.૧૩
ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં બજરંગદળના કટ્ટરવાદી તત્ત્વો પ માર્ચના રોજ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાતાં બન્નેને ગંભીર હાલતમાં વીએસમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે સારવાર હેઠળ કોમામાં સરી પડેલા ફરઝાન સૈયદનું આજે મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કરી જ્યાં સુધી તમામ અપરાધીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહને પોસ્ટમોર્ટમ નહીં કરવા દેવાની તેમજ મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા, જાવેદ પીરઝાદા અને જીગ્નેશ મેવાણી સહિત અનેક સંસ્થાઓના અગ્રણીઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ, મૃતકને યોગ્ય વળતર અને પરિવારને સુરક્ષા સહિતની માગણીઓ સાથે ધરણાં પર બેઠા હતા. જ્યારે સાંજના સુમારે રેન્જના એસ.પી. અને કલેકટરે આવી ઘટતું કરવાની બાંહેધરી આપી તેમજ આ કેસમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરાતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
છત્રાલમાં બજરંગદળના કટ્ટરવાદીઓ દ્વારા પાંચમી માર્ચના રોજ વહેલી સવારે ખેતરમાં જઈ રહેલા મા-પુત્ર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માતા રોશનબીબીની હાથની બે આંગળીઓ અને અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો હતો જ્યારે પુત્ર ફરઝાનને માર મારતાં તેના માથાના ભાગે તેમજ હાથમાં ફ્રેકચર થયું હતું. તેમને સારવાર અર્થે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં આંતરિક મારના કારણે શરીરમાં ઈન્ફેકશન લાગતાં પુત્ર ફરઝાન કોમામાં સરી પડ્યો હતો. જેનું આજ રોજ મૃત્યુ થતાં પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાને પગલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા, જાવેદ પીરઝાદા, જીગ્નેશ મેવાણી, મ્યુનિ.કાઉન્સિલર ઈકબાલ શેખ, બદરૂદ્દીન શેખ, એક્ટિવિસ્ટ શમશાદખાન પઠાણ તેમજ જમિયતે ઉલમા-એ-હિન્દ, જમાત-એ-ઈસ્લામી, મિલ્લી કાઉન્સિલ સહિતની સંસ્થાના અગ્રણીઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં વીએસ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ફરઝાનનો મૃતદેહ તો જ સ્વીકારશે જ્યારે તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય, તેમજ પરિવારજનોને સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાની ખાતરી સરકાર તરફથી અપાય. આમ દબાણ ઊભું કરાતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. હોસ્પિટલમાં રેન્જ એસ.પી.યોગેન્દ્ર યાદવ અને કલેકટરે આવી વળતર અંગે મૃતકના પરિવારજનો લેખિતમાં આપે તો અમો આગળ સરકારમાં પોઝિટિવ માંગ સાથે રજૂઆત કરીશું તેમજ સુરક્ષાની ખાતરી આપી. અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ બાદ આજે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડતાં મૃતકના પરિવારજનોએ મોડી સાંજે મૃતદેહ સ્વીકાર્યો હતો.