જંબુસર,તા.ર
જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં કામ નંબર-રમાં સુધારા પર મતદાન કરાતા સુધારાના મત વધુ પડયા હોય પ્રારંભે જ હાર ભાળી ગયેલ સત્તાધારી પક્ષે તમામ કામ આવતી સામાન્ય સભા પર મુલતવીનો નિર્ણય જાહેર કરી સભાખંડ છોડી જતા રહેતા બહુમતી ધરાવતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતીઅનુસાર જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના અધ્યક્ષ સ્થાને મળી હતી. સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના ૧૩ સદસ્યો, વિપક્ષના ૧૩ સદસ્યો હાજર હતા. અને સત્તાધારી પક્ષના એક સદસ્ય ફરદીપસિંહ યાદવ ગેરહાજર રહ્યા હતા. સામાન્યસભાના પ્રારંભે અવસાન પામેલ માજી પાલિકા સદસ્યના માનમાં મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સામાન્ય સભાની કામગીરી હાથ ધરાતા કામ નં.ર જે ગત ૧૭-૪-૧૮ની સામાન્ય સભામાં થયેલા કામો પર ભરેલા પગલાનો અહેવાલ જાણ તથા મંજૂરી માટે રજૂ કરવામાં આવતા વિપક્ષે આ કામનો સુધારો માગતા વિપક્ષના સુધારાથી દરખાસ્તને મતદાન પર લેવાતા સુધારા માટે ૧૩ મત વિપક્ષના તથા વિરૂધ્ધમાં સત્તાધારી પક્ષના ૧ર મત પડયા હતા. જયારે એક મહિલા સદસ્ય રિઝર્વ રહેતા સત્તાધારી પક્ષમાં સોંપો પડી ગયો હતો. પ્રથમ ગ્રાસે જ મક્ષીકા થતા સત્તાધારી પક્ષ શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો અને ત્વરીત જ બાકીના તમામ કામો આવતી સામાન્ય સભા પર મુલતવીનો નિર્ણય જાહેર કરી પ્રમુખ સહિત સત્તાધારી પક્ષના સદસ્યો સભાખંડ છોડી જતાં રહેતા વિપક્ષી નેતા કાદરબેગ મીરઝા સહિતના વિપક્ષી સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો.