(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.૮
જંબુસર ભરૂચ રોડ પર જીઈબી કચેરી પાસે અલ-મહમૂદ શોપિંગ સેન્ટર આવેલું છે જ્યાં આશરે વીસ જેટલી અલગ અલગ ધંધા-રોજગારની દુકાનો આવેલી છે તેની સામે ટ્રાન્સફોર્મર સેક્શન આવેલ છે જ્યાં ડીપી પર ડીઓ બેસાડવા તથા વેલ સાફ સફાઇ કરવા કર્મચારીઓ આવેલ તેમની ગંભીર ભૂલ અને બેદરકારીને કારણે અલ-મહમૂદ શોપિંગ સેન્ટરમાં આવેલ તમામ દુકાનોમાં નુકસાન થવા પામ્યું છે. જેમાં પંખા, સીસીટીવી કેમેરા, બલ્બ, પીયુસી મશીન, કોમ્પ્યુટર તથા બાજુમાં આવેલ લેવલ એન્જિનિયરિંગમાં વેલ્ડિંગ મશીનો બોર્ડ સહિત તમામ ઇલેક્ટ્રિક સાધનો મળી લાખોનું નુકસાન થવા પામી છે જીઇબીની ગંભીર બેદરકારીને કારણે અનેક વાર આવા બનાવો બનતા હોય છે જનતા દ્વારા રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આજરોજ બનેલા બનાવ અંગે શોપિંગ સેન્ટરના દુકાન ધારકોને જીઈબીની બેદરકારીને કારણે થયેલા નુકસાન અંગે કચેરી ખાતે આવી પહોંચ્યા પરંતુ ડેપ્યુટી એન્જિનિયર એમ.પી. બારોટ ટસના મસ થયા નહોતા. હવેથી આવું નહીં બને તેવું ગાણું ગાતા હતા ગ્રાહકથી કોઈ ભૂલ થાય છે તો જીઇબી દંડસ્વરૂપે નાણાં ભરપાઇ કરાવે છે તો દુકાન ધારકોને લાખોનું નુકસાન થવા પામ્યું છે તેના જવાબદાર કોણ તેના નાણાં કોણ ભરપાઇ કરશે. તે પ્રશ્ન દુકાન ધારકોને સતાવી રહ્યો છે જીઇબી દ્વારા થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી દુકાન ધારકોની માંગ છે.