(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમકોર્ટના સુપ્રીમ વિવાદનો ઉકેલ લાવવા ચાર નારાજ જજો અને સીજેઆઈ દીપક મિશ્રા વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં એ ઉપરાંત અન્ય ચાર જજો એ.કે.સિકરી, જજ એન.વી.રામન્ના, જજ ડી.વાઈ.ચંદ્રચુડ અને જજ યૂયૂ લલિત પણ સામેલ થયા હતા. એમની વચ્ચે ૩૦ મિનિટ સુધી મીટિંગ થઈ હતી પણ કોઈ ઉકેલ નીકળ્યો નહીં.
નોંધનીય છે કે, નારાજ થયેલ ચાર જજોએ ગયા શુક્રવારે પત્રકાર પરિષદ યોજી સીજેઆઈ વિરૂદ્ધ પોતાની ફરિયાદ રજૂ કરી હતી. આક્ષેપોમાં મુખ્યત્વે કેસોની ફાળવણી મુખ્ય મુદ્દો હતો. એ ઉપરાંત પીઆઈએલ, વહીવટી સુધારાઓ અને અન્ય મુદ્દાઓ પણ હતા. જો કે સીજેઆઈએ પોતાનો મંતવ્ય સ્પષ્ટપણે હજુ જણાવ્યો નથી. એમણે ફકત આશ્વાસન આપી જણાવ્યું હતું કે આ મુદ્દાઓ બાબતે વિચારણા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, હવે મીટિંગ સોમવારે થઈ શકે છે કારણ કે ચાર જજોની આગેવાની કરનાર જજ ચેલામેશ્વર રજા ઉપર ગયા છે અને સોમવારે પાછા આવશે, ચાર નારાજ જજો પણ એકમત નથી એ માટે ઉકેલ વહેલો આવતો નથી.