(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
મંગળવારે સુપ્રીમકોર્ટના જજ અરૂણ મિશ્રાએ આદેશ આપી સમગ્ર ઘટનાઓને નવો વળાંક આપ્યો છે. એમણે CJI દીપક મિશ્રાને વિનંતી કરી છે કે જજ લોયાની તપાસનો કેસ સુપ્રીમકોર્ટની યોગ્ય બેંચને આપવામાં આવે. ગયા અઠવાડિયે CJI દીપક મિશ્રાએ જજ લોયાનો કેસ અરૂણ મિશ્રાની બેંચને આપ્યો હતો. આ મુદ્દાને લઈને ચાર જજો નારાજ થયા હતા અને CJI સામે પત્રકાર પરિષદ યોજી હતી. ૧૬મી જાન્યુઆરીના આદેશમાં જજ અરૂણ મિશ્રાએ જણાવ્યું હતું કે જજ લોયાના રહસ્યમય મોત બાબતના સમગ્ર દસ્તાવેજો સાત દિવસમાં યોગ્ય બેંચ સમક્ષ મૂકવામાં આવે અને જો યોગ્ય જણાય તો એની નકલો પણ અરજદારોને અપાય. એ હજુ સ્પષ્ટ નથી કે જજ અરૂણ મિશ્રા પોતે આ કેસમાંથી ખસી ગયા છે કે કેમ ? જજ અરૂણ મિશ્રાએ જણાવ્યું કે, વિના કારણે મારી યોગ્યતા અને વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. CJI દીપક મિશ્રાએ લોયાના મૃત્યુનો કેસ જજ અરૂણ મિશ્રાને અપાતા ચાર જજો નારાજ થયા હતા અને પોતાની નારાજગી દર્શાવી પત્રકાર પરિષદ યોજી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં જજ લોયાના પુત્ર અનુજ લોયાએ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો કે મારા પિતાના મૃત્યુ બાબત અમને કોઈ શંકા નથી. અમે એની તપાસ કરાવવા નથી ઈચ્છતા. એનજીઓ અને વકીલો અમને હેરાન કરી રહ્યા છે. દરમિયાનમાં સુપ્રીમકોર્ટના જજો વચ્ચે થયેલ વિવાદ હજુ ઉકેલાયો નથી.