મૂલ્યો આધારિત સમાજની રચના ખુદા સમક્ષ ઉત્તરદાયિત્વ વગર શક્ય નથી
અમદાવાદ, તા.૧
જમાઅતે ઇસ્લામી હિંદ અમદાવાદ પૂર્વદ્વારા “વર્તમાન યુગમાં પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) સાહેબના સંદેશની પ્રાસંગિકતા” વિષય ઉપર એક ચર્ચા ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા ગોષ્ઠિમાં દલિત-મુસ્લિમ સમાજના લોકોને સહ પરિવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલ એહમદ રાજપુતે જણાવ્યું કે, પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)નું જીવન બધા માટે એક આદર્શ નમૂનો છે. આપ સ.અ.વ.એ ૨૩ વર્ષના સમયગાળામાં જ એક આદર્શ સમાજની રચના પ્રસ્થાપિત કરી. વધુમાં જણાવ્યું કે, મૂલ્યો આધારિત સમાજની રચના ખુદા સમક્ષ ઉત્તરદાયિત્વ વગર શક્ય નથી. તેમણે કહ્યું કે, જ્યારે બધાં મનુષ્યો પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના શિક્ષણ ઉપર આચરણ કરનારા બની જાય ત્યારે દમનકારી અને અત્યાચારી વ્યવસ્થા સમાપ્ત થઈ શકે છે.
કાર્યક્રમમાં સહ પરિવાર સાથે ખાસ હાજર રહેલા મનુભાઈ પરમાર, મહેશ પરમાર, અમ્બુભાઈ વાઘેલા, રાજુ પરમાર, કલ્પેશ હડિયલ જેવા દલિત ભાઈઓએ પ્રસંગને અનુરૂપ પોતાની વાતો મૂકી. બધાની લાગણી હતી કે અત્યાર સુધી ફકત આપણે ભાઈઓ આવાસ્નેહ મિલન કાર્યક્રમમાં મળતા હતા. પરંતુ આ ખૂબ જ આવકાર દાયક બાબત છે કે, જમાઅતે ઇસ્લામી હિંદે બંને સમુદાયોના પરિવારોને ભેગા કર્યા. આ કાર્યક્રમમાં ઇસ્લામ દર્શન કેન્દ્રના સેક્રેટરી ડો.મો. સલીમ પટીવાલા પણ સામેલ હતા. તેમણે પ્રસંગને અનુરૂપ પોતાની વાતો મૂકી. અંતે જમાઅતે ઇસ્લામી હિંદ અમદાવાદ પૂર્વના સ્થાનિક પ્રમુખ વાસિફ હુસૈને આભાર વિધિ વ્યક્ત કરી હતી. રાત્રી ભોજન સાથે પરસ્પર વિચાર-વિમર્શનું સુંદર વાતાવરણ સર્જાયું હતું. એમ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મીડિયા વિભાગના સેક્રેટરી રાશિદ હુસૈને અખબારી યાદીમાં જણાવ્યું છે.