જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ, તા.૧૪
અમદાવાદ શહેરના જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા લોકડાઉનની સ્થિતિમાં પણ સતત પ્રજાની પડખે રહેલા ખેડાવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખેડાવાલાએ આજે સવારે જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ આજે મોડી સાંજે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરનો કોટ વિસ્તાર કોરોના હોટસ્પોટ છે. તેમાંય જમાલપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો મોટી સંખ્યામાં હોવા છતાં લોકાડાઉનનો ચુસ્ત અમલ થતો ન હતો. આથી આજે સવારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાજર ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવનાર તમામના સુરક્ષાના કારણસર ટેસ્ટ કરાવવામાં આવે અને જરૂર પડયે ક્વોરન્ટાઈન કરવામાં આવે તેવી શક્યતા છે.
કોઈ ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવો કદાચ ભારતમાં કે ગુજરાતમાં પ્રથમ કેસ હશે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમના વિસ્તારમાં સતત કાર્યરત હતા અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોને ચુસ્ત રીતે પાલન કરવા સમજાવતા હતા. આથી ઘણા લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે. ઉપરાંત પત્રકારો પણ ધારાસભ્યને મળ્યા હતા અને તેમના સંપર્કમાં આવ્યા હતા. આથી તેમની સાથે સંપર્કમાં આવનાર તમામ લોકોનું ચેકઅપ કરવામાં આવશે. હાલ ધારાસભ્યને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ તેમના મતદારો, સગા-સંબંધી, મિત્રો-ચાહકોને થતાં તમામે ખેડાવાલાની તંદુરસ્તી માટે દુઆઓ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks