નાગપુરના કામટી વિસ્તારમાં રવિવારે સાંજે ઘટના બની હતી પરંતુ હજુ સુધી વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી નથી એવું એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું
(એજન્સી) નાગપુર, તા.૩૦
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કેટલાક સ્થાનિક લોકોના એક ટોળાંએ જમ્મુ અને કાશ્મીરથી આવેલા અને ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થી પર હુમલો કરીને ભારે માર માર્યો હોવાની ઘટના બની હોવાનું જાહેર થયું છે. કયા હેતુથી શું કારણે હુમલો થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. કામટી વિસ્તારમાં રવિવારે સાંજે આ ઘટના બની હતી પરંતુ વિદ્યાર્થીઓએ કોઈ ફરિયાદ નોંધાવી નથી તેમ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે જમ્મુના ડોડા વિસ્તારમાંથી આવેલો આ વિદ્યાર્થી ફાર્મસી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે એ તેની હોસ્ટેલ પરત ફરી રહ્યો હતો. તેની સાથે એક બીજો વિદ્યાર્થી પણ હતો. તેની સાથે તો વિદ્યાર્થી પેશાબ કરવા માટે રસ્તાની નીચે ઉતર્યો હતો ત્યારે આ કાશ્મીરી વિદ્યાર્થી રસ્તા પર ઉભો રહ્યો હતો અને તેની રાહ જોઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને અહીં શું કામ ઉભો છે એવું પૂછવા લાગ્યા હતા. વિદ્યાર્થીએ જવાબ ન આપતા એ લોકો તેના પર તૂટી પડ્યા હતા અને મુક્કાઓનો વરસાદ વરસાવી દીધો હતો અને તેના ગાલ પર આઠથી નવ ફટાકા પણ માર્યા હતા. જ્યારે બીજો વિદ્યાર્થી પાછો ફર્યો ત્યારે તેને ટોળાને કહ્યું હતું કે અમે બંને વિદ્યાર્થી છીએ એટલે ટોળાંએ બંનેને જવા દીધા હતા. જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘના હોદ્દેદાર નાસીર કુહેબીએ આ અંગે દરમિયાનગીરી કરી પગલાં લેવાનો આદેશ આપવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અનુરોધ કર્યો છે. વિદ્યાર્થી સંઘના હોદ્દેદારે એક પોસ્ટ પણ મૂકી હતી જેમાં લડાયું હતું કે અસામાજિક તત્વોએ કાશ્મીરના વિદ્યાર્થીને બેફામ માર માર્યો હતો અને નીચે પછાડી દેતા તેના ચહેરા પર લાતો મારવામાં આવી હતી અને મુક્કા મારીને તેના ચહેરા ઉપર પણ ૮થી ૯ ફડાકા મારવામાં આવ્યા હતા. તેના ગળા અને પીઠ અને હાથ ઉપર પણ સખત માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંઘે મુખ્યમંત્રીને કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્રના આઇજીપી મનોજકુમાર શર્માએ પણ વિદ્યાર્થી સંઘના હોદ્દેદારને ફોન કરીને આ ઘટનાની વિગતો લીધી હતી અને પીડિત વિદ્યાર્થીઓના ટેલીફોન નંબર પણ લીધા હતા. આઈજીપીએ તાત્કાલિક યોગ્ય કાનૂની પગલાં લેવાની અને અપરાધીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.