(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના પાંડેસરા વડોદગામની સીમમાં આવેલ શિવનગર સોસાયટીના અન્યની માલિકીના ખુલ્લા પ્લોટમાં થઇ રહેલા બાંધકામનો ફોટો પાડવા માટે ગયેલા જમીન માલિક તથા તેના સંબંધી ઉપર લાકડાના ફટકાટી હુમલો કરી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બમરોલી રોડ વિસ્તારના પ્રતિક ફળિયામાં રહેતા અમૃત ઠાકોરભાઇ પટેલની પાંડેસરા વિસ્તારના વડોદગામની શિવનગર સોસાયટીની ખુલ્લી જમીનનો પ્લોટ આવેલો છે.અમૃતભાઇની માલિકીની આ જમીનમાં બાંધકામ કરાવી રહ્યા હોવાની જાણ થતાં અમૃતભાઇ સંબંધી મુન્નાભાઇ સાથે સ્થળ પર ગત તા.૨૫મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ જઇ પહોંચ્યા હતા.જ્યાં તેમણે બાંધકામના ફોટા પાડયા હતા.જેની જાણ અર્જુનભાઇ જ્યોતિપ્રકાશ પાંડે,રાજપુત સંતોષ રઘુનાથ સિંહ,દિલીપ ત્રિવેદીનાઓને થતાં તેઓ અન્ય ત્રણ જણા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.જ્યાં આ તમામ આરોપીઓએ અમૃતભાઇ સાથે જીભાજોડી કરી તેમણે ઢીક મુક્કીનો માર માર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં પાંડેસરા પોલીસે અમૃતભાઇની ફરિયાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ વકીલ જીગર એ.પટેલ તથા હર્ષદા એન.પાટીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન દાખલ કરી હતી. જે પર બન્ને પક્ષોને સાંભળ્યા બાદ નામદાર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જડ્જ એન.ડી.જોષી સાહેબે આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.