(એજન્સી) તા.૩
સૂત્રો મુજબ અમરનાથ યાત્રા પૂર્ણ થયા પછી ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો બીજો પ્રયત્ન કરે તેવી સંભાવના છે. તે પીડીપી બળવાખોરો સાથે વાટાઘાટો કરી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ જી.એ.મીરે શનિવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં સત્તામાં પાછા ફરવા માટેની શક્યતાઓ ચકાસવા ભાજપ અવિચારી પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે હોર્સ ટ્રેડિંગ જેવી ગેરકાયદેસર અને ગેરબંધારણીય પદ્ધતિઓ વડે સરકાર રચવાના પ્રયત્નોને મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડશે. ભાજપની નેતાગીરી સાથે નજીકના સંબંધો ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે, નજીકના સંબંધો ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ પછી ભાજપ જમ્મુ-કાશ્મીરમાં એક મોટી રાજકીય જાહેરાત કરે તેવી સંભાવના છે. પીડીપીનો એક મોટો હિસ્સો ભગવા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાએ એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ફકત પીડીપી જ નહીં પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના પણ અસંતુષ્ટ ધારાસભ્યો ગઠબંધન કરી નવો મોરચો ઊભો કરે તેવી શક્યતા મને દેખાય છે. પીડીપીના બળવાખોરો માને છે કે, મહેબૂબા મુફતી તેમના પરિવારના સભ્યોને પાર્ટીના રાજકારણમાં દખલગીરી કરવાની પરવાનગી આપે છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ રવિવારથી પીડીપીના પાંચ ધારાસભ્યોએ પક્ષની નેતાગીરી વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કોઈપણ ચૂંટણી લડવા માંગતું નથી અને કોઈપણ પોણા ત્રણ વર્ષ સુધી સત્તા બહાર રહેવા માંગતું નથી. અમે બધી જ ગોઠવણો કરી લીધી છે. જો અમરનાથ યાત્રા સાથે બધુ યોગ્ય જશે તો અમે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં જાહેરાત કરીએ તેવી સંભાવના છે.