જરૂરતમંદ બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે પાંચ લાખની સહાયની જાહેરાત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં, રાજ્યના જરૂરતમંદ અનાથ બાળકો, વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ લશ્કર તથા પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂા.પાંચ લાખની સરકાર દ્વારા સહાય કરવાનું જણાવ્યું હતું. રાજ્યના આ પ્રકારના આશરે રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ લાભ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. એટલે કે મેડિકલ, એન્જિનિયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવા માંગતા આવા બાળકોને હવે ફીના કારણે અભ્યાસ છોડવો નહીં પડે.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારંભ કરાવતાં તેમણે કહ્યું કે, કારકિર્દી નિર્માણનો મહત્ત્વનો સ્તંભ શિક્ષણ છે અને ૧૦મા ૧રમા ધોરણથી જ આજનો યુવાન કારકિર્દી વિશે ગંભીરતાથી વિચારતો થઈ ગયો છે. વાલીઓની પણ જે સમયાનુકૂલ ચિંતા પોતાના સંતાનના ભવિષ્યની કારકિર્દીની છે તેમાં રાજ્ય સરકાર આવા એજ્યુકેશન ફેર યોજીને પૂરક બનીને ઊભી છે.
મુખ્યમંત્રીએ ‘સી ફોર કોલેજ સાથે હવે સી ફોર કેરિયરનો સમય પણ છે’ તેની પ્રેરણા આપતા કહ્યું કે યુવાશક્તિમાં સ્કીલ-વીલ-ઝિલ ત્રણેય પડેલા છે તેને યોગ્ય દિશાદર્શન આપી મંઝિલ સુધી પહોંચાડવાનું કામ આવા ફેર થકી સરકાર કરી રહી છે. મુખ્યમંત્રીએ યુવાશક્તિ માટે જ્ઞાન-સંપદાના અનેક અવસરોને સ્કાય ઈઝ ધ લિમિટ ગણાવતા ઉમેર્યું કે “ટિચીંગ હેઝ લિમિટ-લર્નિંગ હેઝ નોટ” શિક્ષણની મર્યાદા હોય છે પરંતુ શીખવાની કોઈ મર્યાદા નથી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણની વ્યાખ્યા કરતા જણાવ્યું કે શિક્ષણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે. ગુજરાતને શિક્ષણમાં સતત સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રયત્નો કર્યા છે જેને લઈને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેમણે ફ્રેન્કલીન રૂઝવેલ્ટને ટાંકીને ગુજરાતમાં યુવાનો માટે ભવિષ્ય નહીં, પણ ભવિષ્ય માટે યુવાનોના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર વાલીઓની પણ વાલી છે. તેમ જણાવી તેમણે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવા યુનિવર્સિટીઓ-યુનિવર્સિટીઓ વચ્ચે પ્રાદેશિક, રાષ્ટ્રીય સ્પર્ધા કરવા આહ્વાન કર્યું હતું. વેદથી લઈ વેબ સુધી-અમે ભણીશું છેક સુધી, ભણી-ગણીને એક બનીશું, અમે હંમેશા નેક બનીશું અંગે સંકલ્પબદ્ધ થવા વિદ્યાર્થીઓને તેમણે અનુરોધ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks