રાહુલ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીએ તેની ડાબી આંખમાં મોટરસાયકલની ચાવી ઘૂસેડી દીધી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી
પોલીસે જણાવ્યું હતું કે, નહેર પાસે શૌચ કરવા અંગે ઝઘડો થતાં એક હુમલાખોરે મોટરસાયકલની ચાવી ઘૂસેડી દીધી હતી, આ ક્રૂર હુમલાને કારણે દલિત યુવકે તેની એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. ૨૦ વર્ષના ઘાયલ રાહુલને ગંભીર હાલતમાં વધુ અધ્યતન સારવાર માટે વારાણસી જિલ્લા હોસ્પિટલમા રિફર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઔરાઈ વિસ્તારમાં એક નહેરમાં રાહુલ શૌચ કરવા ગયો હતો ત્યારે બની હતી. આ ઘટનામાં પીડિત અને આરોપી શંકર બિંદ વચ્ચે ઝઘડો થયો હતો, કારણ કે રાહુલ નહેર પાસે શૌચ કરે તે સામે વાંધો ઉઠાવી રહ્યો હતો. હુમલાખોરે કથિત રીતે જાતિગત અપશબ્દોનો ઉપયોગ કરીને રાહુલ પર દુર્વ્યવહાર કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો.પોલીસ અધિક્ષક અભિમન્યુ માંગલિકે જણાવ્યું હતું કે જ્યારે રાહુલે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેની ડાબી આંખમાં મોટરસાયકલની ચાવી ભોંકી દીધી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે પીડિત ભારે પીડાથી જમીન પર પડી ફસડાઈ પડ્યો હતો. સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ ગયા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. એસપીએ જણાવ્યું હતું કે માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ યુવકને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો, જ્યાંથી તેને બાદમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માંગલિકે જણાવ્યું હતું કે, ‘તેની ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ હોવાથી અને તેણે દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હોવાથી, ડોક્ટરોએ તેને વારાણસીના બીએચયુ ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યો હતો’. તેમણે જણાવ્યું હતું કે પીડિતના પિતા રામ ધાનીની ફરિયાદ પર આરોપી શંકર બિંદ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસપીએ ઉમેર્યું હતું કે આરોપી સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.