તા.૧૯
એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે ૨૦મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારૂહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી પ્લેયર પવન સેહરાવતે હાથમાં તિરંગો લઈને કરી હતી. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમદ અલ થાની અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રી તેમજ જાપાની શાહી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સમ્રાટ નારુહિતોએ એશિયન ગેમ્સ ૨૦૨૬ને ખુલ્લી મૂકી હતી. ૨ કલાક ચાલેલા આ સમારોહની શરૂઆત જાપાનના રાષ્ટ્રગીત અને ધ્વજવંદન સાથે થઈ હતી, જ્યાં જાપાની સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસના ૯ જવાનો રાષ્ટ્રધ્વજ મંચ પર લાવ્યા હતા. આ સમારોહમાં ગેમ્સના સત્તાવાર મેસ્કોટ ‘હોનોહોન’ની વિશેષ પ્રસ્તુતિ થઈ હતી. જાપાનીઝ ભાષામાં “જ્વાળા” માટે વપરાતા પ્રાચીન શબ્દ પરથી આ નામ લેવાયું છે, જે રમતવીરોના જુસ્સા, ઉર્જા અને સપના સાકાર કરવાની અંદરની આગનું પ્રતીક છે. પેલોમા મિઝુહો સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાવતી વખતે પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪માં ૨ બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર ભાવુક નજરે પડી હતી. મનુ ભાકરે જણાવ્યું કે, આટલા મોટા વૈશ્વિક મંચ પર દેશના ધ્વજવાહક બનવું એ મારા માટે અત્યંત ગર્વ અને ભાવનાત્મક ક્ષણ છે. શૂટિંગના શરૂઆતી દિવસોથી લઈને આજ સુધી મળેલા સમર્થન માટે હું સૌની આભારી છું. મનુ આ ગેમ્સમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ, ૨૫ મીટર પિસ્તોલ અને ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. બીજી તરફ, કબડ્ડી ટીમનો સુકાની પવન સેહરાવત પણ પુરૂષ ધ્વજવાહક તરીકે જોડાયો હતો. અગાઉ શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂરને આ જવાબદારી સોંપાઈ હતી, પરંતુ ટેક્નિકલ કારણોસર તેમને સમયસર સેરેમોનિયલ કિટ ન મળતાં છેલ્લી ઘડીએ પવન સેહરાવતને પસંદ કરાયો હતો. પવન ૨૦૨૨ હાંગઝોઉ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો હતો. ભારતે આ વખતે ૫૦૧ સભ્યોની વિશાળ ટુકડી મોકલી છે જે ૩૬ રમતોમાં પડકાર ફેંકશે. ભારતીય ટીમનો લક્ષ્યાંક ૨૦૨૩ના હાંગઝોઉ એશિયન ગેમ્સના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને પાર કરવાનો રહેશે, જ્યાં ભારતે ૨૮ ગોલ્ડ સહિત કુલ ૧૦૬ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારત આ વખતે એથ્લેટિક્સ, શૂટિંગ, કુસ્તી, બોક્સિંગ, બેડમિન્ટન ઉપરાંત એસ્પોટ્ર્સ અને ટેકબોલ જેવી નવી રમતોમાં પણ સ્પર્ધા કરી રહ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓપનિંગ સેરેમની પહેલાં જ યજમાન જાપાનને ૮ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ક્વિમ્સી ડિસોઝા મહિલા સિંગલ્સની સેમિફાઇનલ હારી ગઈ હોવાથી હવે તે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે. ૧૯૯૦થી અત્યાર સુધી રમાયેલી ૯ એશિયન ગેમ્સમાંથી ભારતે ૮ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. માત્ર ૨૦૧૮માં બ્રોન્ઝ મળ્યો હતો, પરંતુ ૨૦૨૨માં ઈરાનને ૩૩-૨૯થી હરાવીને ભારતે ટાઈટલ પરત મેળવ્યું હતું. આ એશિયન ગેમ્સમાં પરંપરાગત રમતો સાથે ટેકબોલ (ટેબલ ટેનિસ અને ફૂટબોલનું મિશ્રણ) અને વર્ચ્યુઅલ તાઈકવાન્ડો ડેબ્યૂ કરી રહ્યા છે, જ્યારે એસ્પોટ્ર્સનો ફરી સમાવેશ કરાયો છે. પરેડમાં અફઘાનિસ્તાનની ટુકડી સૌથી પ્રથમ પ્રવેશી હતી, જ્યારે ચીને ૮૦૦થી વધુ ખેલાડીઓનું સૌથી મોટું દળ ઉતારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટોક્યોમાં યોજાનારી સ્વિમિંગ સ્પર્ધામાં ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ચીનનો પાન ઝાનલે અને ૧૩ વર્ષીય સનસનાટી યુ ઝીડી ભાગ લેશે. કેટલાક દિવસોના સંચાલન વિવાદો અને સ્ટેડિયમમાં ખાલી સીટો હોવા છતાં, હવે બધું ધ્યાન મેદાન પરના મુકાબલાઓ તરફ વળી ગયું છે. રવિવારથી ગોલ્ડ મેડલની સત્તાવાર રેસ શરૂ થશે.