(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૫
જામનગરની પટેલ વાડીમાં બપોરે એક મકાનમાં અકસ્માતે આગ ભભૂકી હતી. જેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તે દરમિયાન ઘરમાં રહેલો રાંધણગેસનો બાટલો પણ ફાટ્યો હતો, સમય સૂચકતા વાપરી ઘરમાં રહેલા પુત્ર-માતા બહાર નીકળી ગયા હતા. આગના કારણે ઘરવખરીનો સંપૂર્ણ નાશ થયો હતો. જામનગરની ટી.બી. હોસ્પિટલ આવેલી પટેલ વાડીની શેરી નં.રમા રહેતા નિરવ કાંતિભાઈ ધોકિયાના રહેણાંક મકાનમાં નિરવભાઈ તથા તેમના માતા હાજર હતા ત્યારે બપોરે સાડા બારેક વાગ્યે અકસ્માત આગ ભભૂકી હતી. જેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તે દરમિયાન આગની લપેટમાં આવી ગયેલો રાંધણગેસનો બાટલો ફાટતા મોટો ધડાકો થયો હતો. આ વેળાએ જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા. તેઓએ વારાફરતી બે ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી તે દરમિયાન મકાનમાં રહેલું તમામ ફર્નિચર, કપડા તેમજ ઈલેકટ્રીકનો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. જાણવા મળ્યા મુજબ પસ્તી સળગાવતી વેળાએ આગ ભભૂકી હતી જેના લબકારા દૂર-દૂરથી જોવા મળ્યા હતા. ઘરમાં પ્રસરેલી આગના લબકારા રાંધણગેસના બાટલાને અડકી જતાં જોરદાર ધડાકો થવા પામ્યો હતો જેના કારણે બાટલાના છોતેછોતા નીકળી ગયા હતા. જો કે, સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.