(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૨
જામનગરમાં સમૃદ્ધ જીવન નામની એક પરપ્રાંતિય પેઢીએ ઊંચું વ્યાજ આપવાની લાલચ બતાવી શરૂ કરેલી બે ઓફિસના સ્થળે સીઆઈડી ક્રાઈમે દરોડો પાડી ત્યાંથી કેટલુંક સાહિત્ય ઝબ્બે લીધું છે. આ પેઢીએ ઉઠમણું કર્યું છે ત્યારે જામનગરના લોકોના એક કરોડ ઉપરાંત રાજ્યના સેંકડો લોકોએ અંદાજે રૂા.૪૪ કરોડ ગુમાવ્યા છે. પુનાની સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ પર્પસ કો.ઓ. સોસાયટી લિ. નામની ખાનગી સંસ્થાએ જામનગર ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ઉના સહિતના ગુજરાત રાજ્યના ચાલીસ શહેરોમાં શાખા શરૂ કરી હતી. આ કંપનીએ પોતાને ત્યાં રોકાણ કરનાર આસામીઓને સાત ટકાથી માંડીને તેર ટકા જેવું વ્યાજ આપવાની એક મહિનાથી પાંચ વર્ષ સુધીની સ્કીમ અમલમાં મૂકી હતી. આ લોભામણી સ્કીમથી આકર્ષાયને સેંકડો લોકોએ તે કંપનીમાં રોકાણ કરતા શરૂઆતમાં આ કંપનીએ વ્યાજ પણ ચૂકવ્યું હતું. સરકારની એકના ડબલની સાડા નવ વર્ષની યોજના સામે આ કંપનીએ પાંચ વર્ષમાં જ બમણી રકમ કરી આપવાની લાલચ બતાવતા જામનગર સહિતના નવ જિલ્લાઓમાંથી રોકાણકારોએ અંદાજે ચુમાલીસ કરોડથી વધુની રકમ રોકી હતી. જામનગરમાં આ કંપનીએ નાગનાથ નાકા સર્કલ અને પંડિત નહેરૂમાર્ગ પર પોતાની કચેરીઓ ખોલી કામકાજ શરૂ કર્યું હતું તે દરમિયાન સમૃદ્ધ જીવનની નામની આ સંસ્થા ઉઠી જતા રાજ્યભરના રોકાણકારોના કરોડો રૂપિયા ફસાઈ જવા પામ્યા છે. આ બાબતની ફરિયાદ થયા પછી સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ આરંભી રાજકોટ અને જૂનાગઢમાં તે પેઢીની કચેરીઓમાં તપાસ કર્યા પછી જામનગર સ્થિત બન્ને કચેરીએ તપાસ કરવામાં આવી હતી. સીઆઈડીએ ત્યાંથી નોટો ગણવાનું મશીન, કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓ ઝબ્બે લીધી છે. એક અંદાજ મુજબ જામનગરના વ્યક્તિઓના રૂા.એકાદ કરોડ આ પેઢીએ ડૂબાડી દીધા છે.