(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૨
તાજેતરમાં નિરવ મોદીએ પંજાબ બેંકમાંથી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું અને વિદેશ ચાલ્યો ગયો હતો. ભારત સરકારની આ નિષ્ફળતાને ઉજાગર કરવા જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ.તૌસીફખાન પઠાણની આગેવાની હેઠળ પંજાબ બેંક પાસે નવતર કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકરો નિરવ મોદીના માસ્ક પહેરીને જામનગરથી પંજાબ બેંકમાં ગયા હતા અને બેંકમાં ૧૧ લાખની લોન મેળવવા માટે બ્રાન્ચ મેનેજરને અરજી આપી હતી. જેમાં મહિપાલસિંહ જાડેજાએ આ લોન અરજી સામે નિરવ મોદીની ભલામણપત્ર (ફેક) પણ રજૂ કર્યો હતો. જો કે, આ તકે બેંક મેનેજર દ્વારા લોન આપવાની ના પાડી હતી જ્યારે કોંગ્રેસ-એનએસયુઆઈના કાર્યકરોએ જણાવ્યું હતું કે, જો નિરવ મોદીને લોનની ના પાડી હોત તો દેશના કરોડો રૂપિયા બચી શકત અને આર્થિક મુશ્કેલી નીવારી શકાઈ હોત. આ આવેદનપત્ર, લોન અરજી પાઠવતી વેળાએ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ.તૌસીફખાન પઠાણ, ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઈ ખવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ ઉપરાંત બથવારભાઈ, જેનબબેન ખફી, આનંદ ગોહિલ, ભાવીન દેવલિયા વગેરે જોડાયા હતા.