(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા. ૧૭
જામનગરની મેડિકલ કોલેજમાં સીટ વધારવા માટે મંગળવારના રોજ કેન્દ્ર દ્વારા નિર્માણ પામેલી કમિટીમાં જામનગરના અધિકારીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું, મંગળવારના રોજ દિલ્હીના એમસીઆઇ દ્વારા હીયરિંગ કરવામાં આવ્યું હતું અને તમામ ડેટાબેઝ સહિત મેડિકલની સીટો વધારવા રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ એમસીઆઇ દ્વારા સીટ વધારવા માટે ઇન્સ્પેક્શન પણ કરાયું છે, ત્યારે આગામી સમયમાં કેટલી સીટો વધશે તે ધ્યાને આવશે. સરકારી અને જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસક્રમની સીટ વધારવા માટે આજે દિલ્હી સ્થિત એમસીઆઇમાં ગુજરાતની કોલેજોએ તેમના ફોર્મ સબમીટ કર્યા હતા. આ વર્ષે સુરત, વડોદરા અને જામનગરની મેડિકલ કોલેજોને ફાયદો થવાની શકયતા છે. બી.જે. મેડિકલને આ વર્ષે પેથોલોજીની છ નવી સીટ મળી છે. કેન્દ્ર સરકારે એમબીબીએસ પછી પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસક્રમની સીટ વધારવા માટે ગત વર્ષે યોજના અમલમાં મુકી હતી તેને આ વર્ષે પણ ચાલુ રાખી છે. જો કે આ યોજનામાં કોલેજોમાં સ્ટાફ હોય તો જ એમસીઆઇ સીટ વધારો મંજૂર કરે છે અન્યથા નહી જ. એક યુનિટમાં ત્રણ અધ્યાપક ન હોય તો મંજૂરી મળતી નથી.