(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૨
સુરત શહેર જિલ્લામાં પદ્માવત ફિલ્મ દર્શાવવાના મુદ્દે જિલ્લા કલેક્ટરે મલ્ટીપ્લેક્ષ થિયેટરોના માલિકો સાથે એક બેઠક યોજી હતી. જેમાં શહેરના આઠ થિયેટર માલિકો દ્વારા આગામી તા.૨૫મી જાન્યુઆરીના રોજ આ ફિલ્મ દર્શાવવાની સ્પષ્ટતા કરાઈ હતી જ્યારે અન્યો હવે પછી આ મુદ્દે ચર્ચાઓ કરી નિર્ણય લેનાર હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લા ક્લેક્ટરની આવતી કાલે બપોરના સમયે કણવીર સેનાના અગ્રણીઓ સાથે એક બેઠક યોજાનાર છે. જેમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થનાર છે. દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા પદ્માવત ફિલ્મ દર્શાવવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેના કારણે દેશભરમાં આગામી તા.૨૫મી જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થનાર છે. જેનો અત્યારથી જ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. સુરત સહિત ગુજરાતમાં પણ આ મુદ્દે ગત રોજથી તોફાનો શરૂ થયા છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટરે ૨૪ જેટલા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરોના માલિકોને કાર્યાલય ખાતે બોલાવી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. જેમાં આઠ જેટલા સિનેમાઘરોના માલિકોએ આ આગામી શુક્રવારના રોજ ફિલ્મ દર્શાવવાની તૈયારી દર્શાવી હતી જ્યારે અન્ય ત્રણ જણાઓ સાથે ટેલિફોનિક વાત જિલ્લા ક્લેક્ટર દ્વારા થઇ હતી. જો કે, હવે પછી બાકીના ૨૧ સિનેમાઘરોના માલિકોએ આ ફિલ્મ દર્શાવવી કે, નહીં કે તે મુદ્દે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. જેઓ હવે પછી આ મુદ્દે નિર્ણય લેનાર છે. જો કે, જિલ્લા કલેક્ટરે સિનેમાઘરોના માલિકોને સંપૂર્ણ રક્ષણ આપવાની તૈયારી દર્શાવી હતી.