જુનિયર કેજીથી લઈ ધોરણ-૧૦ સુધીના ૪૪૯૬ વિદ્યાર્થીઓની ફી માફ કરી

અંકલેશ્વર, તા.૧૩
એક તરફ કોરોના વાયરસની મહામારીમાં રોજગારીનો મોટો પ્રશ્ન ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર તોળાઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરની ખાનગી શાળાઓ વાલીઓ પર તેમના સંતાનોની ફી બાબતે ભારે દબાણ કરી રહી હોવાના અહેવાલો સામે અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ દ્વારા સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી લાયન્સ સ્કૂલ તેમજ લાયન્સ ઈન્ટરનેશનલ એકેડમી દ્વારા શાળાના જુનિયર કેજી લઈ ધોરણ ૧૦ સુધીના ૪૪૯૬ વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓની ફીની રકમનો આંકડો રૂપિયા ૧.૨૦ કરોડ સુધી પહોંચે છે. શાળા સંચાલકો દ્વારા આ અંગે જાહેરાત કરાતાં જ વાલીઓમાં રાહતની લાગણી પ્રવર્તી હતી. અન્ય ખાનગી શાળાઓ માટે એક બોધપાઠ લેવા જેવો પણ દાખલો છે. આ અંગે લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રમુખ એવા જશુ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી જે પરિસ્થિતિ છે એ જોતા લોકોને અને ખાસ કરીને લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ ફી ભરવાની ચિંતા હતી જે દુર થાય એ માટે તમામ સભ્યોએ મળીને નિર્ણય લીધો છે જેમાં જુન થી નવેમ્બર સુધીના સત્રની ફી માફ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીના પિતાનું જો મૃત્યુ થાય તો એ વિદ્યાર્થીનો ધો.૧૦ સુધીનો તમામ ખર્ચ શાળા ઊઠાવશે. એક તરફ અંકલેશ્વરની શહેર કે જીઆઈડીસી વિસ્તારની ખાનગી શાળાઓ વાલીઓને તેમની આર્થિક પરિસ્થિતિ જોયા વગર ફી ની ઉઘરાણી કરી રહી છે એ સર્વવિદિત બાબત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks