જૂનાગઢ, તા.રર
જૂનાગઢમાં ૧ કરોડ ઉપરાંતની વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના જોષીપરા પટેલ સમાજ પાસે સાર્થક એપાર્ટમેન્ટના બ્લોક નં.૩૦૧માં રહેતા અશોકભાઈ ગોપાલભાઈ સેજલીયા (ઉ.વ.૪૮) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા.૧પ-૧-ર૦૧૮થી તા.૧૬-ર-ર૦૧૮ દરમ્યાન ફરિયાદીની મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીમાં વિમલભાઈ નંદલાલ પોલરા (પટેલ, રહે.ખામધ્રોળ રોડ – શુકન રેસિડેન્સી) નોકરીએ રાખેલ. આ શખ્સે પેઢીની ચેકબુક કાઢી લઈ તેમાં અલગ-અલગ તારીખ જુદા-જુદા ચેકોમાં રકમો ભરી ફરિયાદી ખોટી સહી કરી અને આ ચેકો સાચા તરીકે બેન્કમાં નાંખી કુલ રૂા.૧,૦૭,પ૦,૦૦૦ની રકમ ઉપાડી લઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે. આ બનાવ બેંક ઓફ બરોડા શાખામાં બનેલ છે. પોલીસે આ ફરિયાદ ઉપરથી આરોપી વિરૂદ્ધ કલમ ૪૦૬, ૪૦૮, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૭૧ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ જે.બી.કરમુર ચલાવી રહ્યા છે.