જૂનાગઢ કૃષિ યુનિ.નો ૧૩મો પદ્‌વીદાન સમાંરભ યોજાયો : ૫૮૫ છાત્રોને પદવી એનાયત

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૧
જૂનાગઢ કૃષિ યુનિ.નો તેરમો પદવીદાન સમારંભ રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી ઓ.પી.કોહલીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિ.ના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૮૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૮ તેજસ્વી પદવી ધારકોને ૫૬ ગોલ્ડ-સિલ્વર મેડલ અને બે કેશ પ્રાઇઝ રાજ્યપાલના હસ્તે બહુમાન કરી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કહ્યું કે આજે વિશ્વની વધતી વસતી અને તેની સામે ઘટતી જતી ખેતીની જમીન અને ઓછા સંસાધનો વચ્ચે ખેતીને સમૃદ્ધ કરવાનો પડકાર નવ યુવાન સંશોધક કૃષિ સ્તાનકોએ ઝીલી લેવો પડશે. આજના કૃષિ સ્નાતક યુવાનો સક્ષમ છે તેમ જણાવી પદવીધારકો ખેડૂતને અને કૃષિ યુનિ. સાથે જોડાણ કરવામાં સેતુની ભૂમિકા ભજવે તેવું આહ્વાન કર્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ તકે કહ્યું કે કૃષિનું આધુનિક જ્ઞાન લઇને કારકિર્દી શરૂ કરવા જઇ રહેલા વિદ્યાર્થીઓ કૃષિને નવી દિશા આપશે.
આઇસીએઆર, નવી દિલ્હીના ડાયરેકટર જનરલ અને સેક્રેટરી ડો.ત્રિલોચન મોહપાત્રાએ ગુજરાતમાં આધુનિક ખેતીને લીધે થયેલી પ્રગતિ અને હજુ પણ અનેક તકો રહેલી છે તે દિશામાં માહિતી આપી ખેડૂતનો ઉત્પાદન ખર્ચ કંઇ રીતે ઘટાડી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ખેતી વિભાગના પૂર્વ પ્રિન્સીપલ સેક્રેટરી ડો. કે.એન.શેલતને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા ડોકટર ઓફ સાયન્સની માનદ ડિગ્રી રાજ્યપાલશ્રી દ્વારા એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિ.ના ત્રણ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.એ.આર.પાઠકે જૂનાગઢ કૃષિ યુનિ.ની વિકાસગાથા રજૂ કરી હતી.
દસ મેડલ મેળવનાર બીએસ.સી. એગ્રીના વિદ્યાર્થી શ્રી વઢવાણા સોહને કહ્યું કે તે તળાજાના શોભાવડ ગામનો વતની છે. તેમને આગળ આણંદ પી.જી. થઇને શિક્ષણ અને સંશોધનનમાં આગળ વધવું છે. નવ એવોર્ડ મેળવનાર મોટા ભંડારીયા, અમરેલીના વતની એવા વિદ્યાર્થી સુમરા મહમદભાઇ સલીમભાઇએ કહ્યું કે જમીન સુધારણા કરી ખેડૂતને વધું ઉત્પાદન મળે તે દિશામાં સંશોધન કરીને તે આગળ વધવા માંગે છે. બી.ટેકમાં ચાર એવોર્ડ મેળવનાર ખેડૂત પુત્રી અગ્રાવત હર્ષા વિષ્ણુભાઇએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે એગ્રી એન્જિનીયરીંગમાં વધું સંશોધન કરી ખેડૂતને ખેતી વધુ સરળ બને તે દિશામાં આગળ તેમને કામ કરવાની ઇચ્છા છે. ટોબરા ગામના અલ્પેશ બારડે પ્રતિભાવ આપતા જણાવ્યું કે પ્લાનટેશન અને રોગશાસ્ત્રમાં આગળ સંશોધન કરવાની તેમની ઇચ્છા છે. ફીશરીઝ સાયન્સમાં એવોર્ડ મેળવનાર નિરવ બોરખતરીયાએ આગળ જઇને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે બિઝનેસ કરી કારકિર્દી બનાવવાનું જણાવ્યું હતું. અનુસ્નાતક કક્ષાએ ગોહિલ ભગીરથસિંહ સહદેવ સિંહે અને કુ.દિવ્યા સી. તેમજ કુ.ચીન્ટુ કોટડીયાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ યુનિ.ના કુલસચિવ ડો. એ.એમ. પારેખીયા, ડો.વી.પી. ચોવટીયા, ડો.પી.વી.પટેલ, ડો. ગોહિલ અને તમામ કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.વીરેન્દ્ર ભટ્ટે કર્યું હતું.
આ પ્રસંગે મેયર આધ્યશકિતબેન મજમુદાર, શશીકાંતભાઇ ભીમાણી, પુનિત શર્મા, વંદનાબેન મકવાણા, વણપરીયા તેમજ કલેકટર ડો. રાહુલ ગુ્‌પ્તા, ઇન્ચાર્જ ડીડીઓ ઠેસીયા, એસ.પી. જાજડીયા અને અન્ય અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks