જૂનાગઢ, તા.૩
જૂનાગઢ શહેર જિલ્લામાં ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના અને ચિટીંગના અવારનવાર બનાવો બને છે તેમાં વધુ કિસ્સા ઉમેરાયા છે. મેંદરડા આઝાદ ચોક જૂના બાલમંદિર પાસે રહેતાં મુકેશભાઈ અમૃતલાલ ધાંધિયા (ઉ.વ.ર૭)ના એસબીઆઈ બેન્ક સેવિંગ્સ એકાઉન્ટમાં રૂા.૬૭,પ૩૯ હતા જેમાંથી કોઈએ ફરિયાદીના એટીએમ નંબરનો ઈલેકટ્રોનિક માધ્યમથી ઉપયોગ કરી દિવાન ચોક એસબીઆઈ બેન્કમાંથી ૪૦ હજાર વિડ્રોલ કરી તેમજ રૂા.ર૭,પ૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂા.૬૭,પ૦૦ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જ્યારે બીજા બનાવમાં રાજેન્દ્રભાઈ ભીમજીભાઈ રવિયા (ઉ.પ૬) રહે. રિદ્ધિ સોસાયટી બ્લોક નં. એ-૬ ખલીલપુર રોડવાળા)ના એકાઉન્ટમાં રૂા.૬ર,૧૧ર હતા, જેમાંથી કોઈએ ફરિયાદીના એટીએમ નંબરનો ઉપયોગ કરી દિવાન ચોક એસબીઆઈ બેન્કની શાખામાંથી રૂા.ર૦-ર૦ હજાર બે વાર વિડ્રોલ કરી તેમજ રૂા.રર હજાર અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂા.૬ર હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ત્રીજા બનાવમાં ગોકુલનગર સોસાયટી બ્લોક નં.૧૧-બી, જય મંગલ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતાં કિરીટકુમાર એભલભાઈ ધાંધલ (ઉ.વ.પ૮)ના એસબીઆઈ એકાઉન્ટમાં રૂા.૪૭,૭૩૦ હતા. જેમાંથી રૂા.ર૭ હજાર વિડ્રો કરી તેમજ રૂા.૭પ૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂા.૩૪,પ૦૦ તથા ફરિયાદી સાથે ટેલિફોન ઓફિસમાં નોકરી કરતાં સહકર્મી રાજશ્રીબેન પ્રકાશચંદ્ર લાખાણીના એસબીઆઈ એકાઉન્ટમાં રૂા.૪પ,૭૭૬ હતા જેમાંથી રૂા.ર૭ હજાર વિડ્રો કરી તેમજ રૂા.પપ૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂા.૩ર,પ૦૦ એમ બંનેના મળી કુલ રૂા.૬૭ હજાર બંનેના એટીએમ નંબરનો ઉપયોગ કરી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ચોથા બનાવમાં ગૌરવભાઈ અરવિંદભાઈ સુરીયા પટેલ (ઉ.વ.રપ, રહે. જૂનાગઢ ગંગોત્રીનગર-૧ બ્લોક નં. ૬૮, ખલીલપુર રોડ)ના એકાઉન્ટમાંથી કુલ રૂા.૧૯,૪૮૩ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી ચીટીંગ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.