(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૮
જૂનાગઢમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજ નિગમમાં જીરાની બોરીની ચોરી કરનાર તેમજ શહેરમાંથી જુદી-જુદી જગ્યાએથી બાઈક ચોરીને અંજામ આપનાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જૂનાગઢ બી-ડિવિઝન પોલીસના આર.બી. સોલંકીના માર્ગદર્શનમાં ડી-સ્ટાફના વિરમભાઈ પાતર, રજાકભાઈ આરબ જૂનાગઢ શહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે બીજ નિગમમાં જીરાની ચોરીને અંજામ આપનાર શખ્સો મજેવડી દરવાજા પાસે ઊભેલા છે. બાતમીને આધારે જીરા ચોરીનાં આરોપીઓ સાહેબ ખાન ઉર્ફે સરફરાજ હનીફભાઈ પઠાણ, અમીર હબીબ પઠાણ અને શાહરૂખ નાસીર બેલીમને તૈયબા મસ્જિદ પાસેથી પકડી લીધો હતો. આકરી પૂછપરછ કરતાં ૪૦૦ કિલો જીરાની બોરીની ચોરીની કબુલાત આપી હતી. જે મુદ્દામાલ પોલીસે કેશોદથી કબજે કર્યો હતો. અન્ય બાતમીને આધારે રજાકબીન આરબ વિરમભાઈ પાતરે પેટ્રોલિંગ દરમ્યાન ચોબારી પાસે ઝાડી ઝાંખરામાંથી વિશાલ સિતાપરા, અજય પીપળીયાને ચોરીના ૩ મોટરસાઈકલ સાથે ઝડપી લીધા હતાં. જેમાંથી બે મોટરસાઈકલ એસ.ટી. પાર્કિંગમાંથી અને વણઝારી ચોકમાંથી તેમજ એક બાઈક ઉનામાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.