નીરજ ચોપડાની માતાએ ભારતના સિલ્વર અને પાકિસ્તાનના ગોલ્ડ જીતવાની ઉજવણી કરી
નવી દિલ્હી, તા.૯
ગુરૂવારે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડા દ્વારા સિલ્વર મેડલ જીતવાના થોડા કલાક બાદ તેની માતા સરોજ દેવીએ તેની પ્રશંસા કરતા કહ્યું કે, ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો અરશદ નદીમ પણ અમારો દીકરો છે. જેણે આકરી મહેનત કરી છે. ચોપડાએ પેરિસમાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. જેનાથી તે ૨૦૨૦માં ટોક્યોમાં ગોલ્ડ જીત્યા બાદ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લિટ બની ગયો છે. એએનઆઇ સાથેની વાતચીતમાં દેવીએ જણાવ્યું કે, ચોપડાની જીતથી તેમનો પરિવાર ઘણો ખુશ છે અને તેમણે નદીમને પણ પોતાના દીકરા જેવો ગણાવી કહ્યું કે, તેણે પણ આકરી મહેનત કરી છે. ચોપડાની માતાએ કહ્યું કે, દરેક જણ ખરેખર ખુશ છે. અમારા માટે સિલ્વર પણ ગોલ્ડ જેવો છે. જે છોકરાને (અરશદ નદીમ) ગોલ્ડ મળ્યો છે તે પણ મારો દીકરો છે. દરેક જણ ખૂબ જ મહેનત કરી ત્યાં પહોંચે છે. પાકિસ્તાનના નદીમે પોતાના બીજા પ્રયાસમાં ૯૨.૯૭ મીટરના થ્રો સાથે ઓલિમ્પિક રેકોર્ડ તોડી નાંખ્યો, જેનાથી ટોક્યોમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા સહિત બાકીના લોકો માટે તેને હરાવવો મુશ્કેલ થઈ ગયો. નીરજના પિતા સતીશે પોતાના પુત્રના પ્રદર્શન પર ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું કે, પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં આજે પાકિસ્તાનનો દિવસ હતો. તેમણે એમ પણ કહ્યું કે, ચોપડાની ઇજાએ તેના પ્રદર્શનમાં ભૂમિકા નિભાવી. સતીશે કહ્યું કે, દરેકનો દિવસ હોય છે. આજે પાકિસ્તાનનો દિવસ હતો પણ અમે સિલ્વર મેડલ જીત્યો છે અને આ અમારા માટે ગર્વની વાત છે. મને લાગે છે કે, તેના પ્રદર્શનમાં કમરની ઇજાનું પણ યોગદાન રહ્યું છે. પેરિસમાં નીરજની સફળતા આગામી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે. તેણે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. અમે ખુશ અને ગૌરવ અનુભવીએ છીએ. બધા યુવા તેનાથી પ્રેરિત થશે. દેવીએ કહ્યું કે, તેના માટે ચૂરમા પણ બનાવીશું. તેને ચૂરમા ખૂબ જ પસંદ છે. તેના પરત ફરવા પર તેનું ભવ્ય સ્વાગત કરીશું. દેવી દ્વારા પાકિસ્તાની ખેલાડીને પોતાનો દીકરો ગણાવતા ઇન્ટરનેટ પર હૃદયસ્પર્શી પ્રતિક્રિયા જોવા મળી છે. સાથે જ આ સાંપ્રદાયિક સંદર્ભના તે સમુદ્રમાંથી પણ વિરામ લેવા જેવું હતું. જે ભારત-પાક. સંબંધોની આસપાસ ચર્ચા પર હાવી રહે છે. એક્સ પર એક યુઝરે લખ્યું, માતાના હૃદયમાં બધા માટે પ્રેમ હોય છે.
નીરજ ચોપડા માટે પણ દુઆ કરી હતી : અરશદની માતા
નીરજ મારા દીકરા જેવો છે તે નદીમના ભાઈ જેવો છે, અલ્લાહ તેને ખૂબ સફળતા આપે અને અનેક મેડલ જીતે
કરાચી, તા.૯
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ર૦ર૪ના મેન્સ જેવલિન થ્રોમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ અને ભારતના નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે. પહેલા નીરજની માતાએ અને હવે અરશદની અમ્મીએ કંઈક એવી વાત કહી છે જે દરેક જણે સાંભળવી જોઈએ. પછી તે ઈન્ડિયન ખેલપ્રેમી હોય કે પાકિસ્તાની ખેલપ્રેમી. નીરજની માતાએ જ્યાં અરશદને પણ પોતાનો દીકરો ગણાવ્યો હતો. જ્યારે અરશદની માતાએ કહ્યું કે તેમણે નીરજ માટે પણ દુઆ કરી હતી. અરશદની માતાએ પણ કહ્યું કે નીરજ ચોપડા મારા પુત્ર જેવો છે. હું તેના માટે પણ દુઆ કરતી હતી. તે નદીમના ભાઈ જેવો છે. અલ્લાહ તેને ખૂબ સફળતા આપે અને અનેક મેડલ જીતે. નદીમે ગુરૂવારે ૯ર.૯૭ મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે નીરજે સિઝનના પોતાના બેસ્ટ થ્રો ૮૯.૪પ મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.