જેની છેડતી કરી હતી તે મહિલા પાસે જ રાખડી બંધાવવા મ.પ્ર. હાઈકોર્ટનો આરોપીને આદેશ

 

(એજન્સી)                 તા.૩

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહિલાની છેડતી કરવાના આરોપસર જેલની હવા ખાઈ રહેલા ૨૬ વર્ષીય આરોપીને રક્ષાબંધના પવિત્ર તહેવાર નિમિત્તે તે પીડિત મહિલા પાસે જ રાખડી બંધાવવાનો આદેશ કર્યો હતો તે સાથે હાઈકોર્ટે પીડિતાને પણ તે આરોપીને રાખડી બાંધવાની વિનંતી કરી હતી, તે સાથે હાઈકોર્ટે આરોપીને એમ પણ કહ્યું હતું કે, રિવાજ મુજબ તેણે પીડિતા મહિલાને રૂા.૧૧,૦૦૦ ભેટ સ્વરૂપે અને તેના પુત્રને રૂા.૫૦૦૦ નવા કપડાં અને મીઠાઈની ખરીદી માટે આપવાના રહેશે. ન્યામર્તિ રોહિત આર્યની બનેલી સિંગલ જજની બેંચે ગત ૩૦ જુલાઈના રોજ આરોપી વિક્રમ બાગરીને શરતી જામીન આપતા આ મુજબનો આદેશ કર્યો હતો. આદેશમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, જામીન માંગનાર અરજદારે ૩ ઓગસ્ટના રોજ એટલે કે રક્ષાબંધનના તહેવારના દિવસે તેની પત્ની સાથે પીડિતા મહિલાના ઘરે રાખડી અને મીઠાઈના બોક્ષ સાથે જવું અને પીડિતા મહિલાને રાખડી બાંધવાની વિનંતી કરવી અને સમગ્ર જીવનભર તેની રક્ષા કરવાનું તે મહિલાને વચન આપવાનું રહેશે. આરોપી બાગરી ગત ૨૦ એપ્રિલના રોજ ઉજ્જૈન ખાતે એક ૩૦ વર્ષીય મહિલાના ઘરમાં બળજબરપૂર્વક ઘૂસી ગયો હતો અને તેની જાતિય સતામણી કરી હતી જેના પગલે તે મહિલાએ ઉજ્જૈનના ભાટપચલાના પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે તેની વિરૂદ્ધ જાતિય સતામણી અને મહિલાની ઈજ્જત ઉપર હાથ નાંખવાના આશય સાથે તેના ઉપર જાતિય હુમલો કરવાના ગંભીર આરોપ મૂકીને એફઆઈઆર નોંધી હતી અને ગત ૨ જૂનથી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, એમ સરકારી વકીલ સુધાંશુ વ્યાસે કહ્યું હતું. જો કે, આરોપીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, તેણે લોકડાઉનના સમયગાળા દરમ્યાન પીડિતા મહિલાના પતિને બાકી રહેતી લોન ચૂકવી દેવા જણાવ્યું હતું, તે સમયે તેના પતિએ થોડા સમયની મહેતલ માંગી હતી ને ત્યારબાદ તેણે બદલો લેવા તેના ઉપર ખોટો કેસ કરી દીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks