(એજન્સી) તા.૧૬
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની મધ્યપ્રદેશ સરકારે રાજ્યની વિધાનસભામાં ભોપાલ સેન્ટ્રલ જેલ તોડીને ૩૦-૩૧ ઓકટોબર ર૦૧૬ની રાતે પલાયન કરી ભાગેલા સ્ટુડન્ટ ઓફ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી)ના આઠ કથિત આતંકીઓના એન્કાઉન્ટર સંબંધિત રિપોર્ટને રજૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. જો કે સિગલ મેમ્બર જ્યુડિશિયલ કમિશન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને તપાસ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરી અહેવાલ પણ સોંપી દેવાયો હતો. શિવરાજસિંહ ચૌહાણા વડપણ હેઠળની કેબિનેટે મંગળવારે આ મામલે રિપોર્ટને રજૂ કરવા માટે મંજૂરી આપી દીધી હતી. જો કે તેમે આ ઘટના અંગેનો તપાસનો સંપૂર્ણ અહેવાલ ઓગસ્ટ ર૦૧૭માં જ મળી ગયો હતો પરંતુ હવે શિવરાજસિંહની સરકારે મધ્યપ્રદેશની વિધાનસભામાં આ અહેવાલ રજૂ કરવા મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને પબ્લિક રિલેશન મંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી હતી. નોંધનીય છે કે ર૦૧૭માં સોંપવામાં આવેલા અહેવાલને નિવૃત્ત હાઈકોર્ટ જસ્ટિસ એસ.કે. પાન્ડેના વડપણ હેઠળ તૈયાર કરવામાં આવ્ય્ હતો. તેમને ઓગસ્ટ ર૦૧૭માં આ અહેવાલ સુપરત કર્યો હતો. જો કે અત્યાર સુધી શિયાળુ સત્ર પણ જતું રહ્યું છતાં આ અહેવાલ મધ્યપ્રદેશની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. જો કે હવે સરકારે નક્કી કર્યું છે કે તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવે. આગામી બજેટ સેશનમાં આ અહેવાલ પર રજૂ કરવામાં આવે તેવી ભરપૂર શક્યતા છે. જે માર્ચ ર૮ના રોજ પૂર્ણ થશે. ૩૧ ઓક્ટોબર ર૦૧૬ની સવારે ભોપાલની સેન્ટ્રલ જેલ તોડીને પલાયન કરેલા આઠ સીમીના સભ્યોને પોલીસે એન્કાઉન્ટર મારફતે ઠાર માર્યા હતા. જો કે આ લોકો પર જેલના ગાર્ડની હત્યા કરવાનો પણ આરોપ મૂકાયો હતો. ગંગા વિસ્તારમાં તેમનું એન્કાઉન્ટર કરી નાખી આઠ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. મૃતકોમાં અકીલ ખિલજી, શેખ મહેબૂબ ઉર્ફે ગુડ્ડુ, ઝાકિર હુસૈન, અમજદ ખાન, મોહમ્મદ સલીક, મુજીબ શેખ, ખાલિદ અહેમદ અને મજીદનો સમાવેશ થતો હતો.