(એજન્સી) તેહરાન, તા.૨૨
ઇરાનના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC)એ સોમવારે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરશે, તો તેહરાન નવા શસ્ત્રો તૈનાત કરશે અને એવા લક્ષ્યો પર પ્રહાર કરશે જેને અગાઉ ક્યારેય નિશાન બનાવવામાં આવ્યા નથી.IRGCના પ્રવક્તા હોસૈન મોહેબ્બીએ કહ્યું કે, જો ફરીથી હુમલો થશે તો ઈરાન ‘યુદ્ધના ભૌગોલિક વિસ્તાર’ (geography of the warમાં પણ ફેરફાર કરશે. ફાર્સ એજન્સીએ તેમના હવાલાથી જણાવ્યું હતું કે, ‘જો નવો આક્રમક હુમલો થશે, તો અમે ચોક્કસપણે નવી ક્ષમતાઓ ધરાવતા નવા શસ્ત્રોનો ઉપયોગ કરીશું અને દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે.’ મોહેબ્બીએ કહ્યું, ‘અમારા લક્ષ્યો પણ હવે પહેલા જેવા નહીં રહે. અમારી પાસે એવા નવા લક્ષ્યો છે જેના પર હજુ સુધી પ્રહાર કરવામાં આવ્યો નથી.’ તેમણે ઉમેર્યું કે ઈરાન ‘લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધ’ માટે પણ તૈયાર છે. આ ધમકી ત્યારે આવી જ્યારે સપ્તાહના અંતે ઈરાનના સશસ્ત્ર દળોની સંયુક્ત ઓપરેશનલ કમાન્ડ ‘ખતમ અલ-અંબિયા’ના કમાન્ડરે જણાવ્યું હતું કે, તેમને એવી માહિતી મળી છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. કમાન્ડરે ચેતવણી આપી હતી કે, જો આવું થશે તો આ પ્રદેશમાં આવેલા અમેરિકી મથકો અને હિતોને ‘સતત, અસરકારક અને પીડાદાયક’ હુમલાઓનો સામનો કરવો પડશે.